Tuesday, August 16, 2011

વિદ્યા ગ્રહણ..

જય સિયારામ...
અહી આશ્રમમાં તો  રામજી અને તેમના ભાઈઓ પોતાના સાલસ સ્વભાવથી થોડા દિવસોમાં બધાના માનીતા થઇ ગયા, ખાસ કરીને ગુરુમાતાના..
ધીમે ધીમે કરીને બાળકો આશ્રમની માયાથી બંધાતા જતા હતા..અને હવે ઘરની યાદ પણ ઓછી આવતી હતી..ચારે કુમારો હવે પહેલા કરતા વધુ સમજદાર અને પરિપક્વ થતા જતા હતા..
ગુરુદેવ વશિષ્ઠે પણ તેમને ધનુર્વિદ્યા શીખવવાનું  શરુ કરી દીધેલું..
એક વાર તેઓ બધા શિષ્યોને લઇ આશ્રમની બહાર આવ્યા..,જ્યાં એક પુતળાને રાખેલું હતું..
તેઓ પુતળા પાસે ગયા અને બોલ્યા,"આ પુતળું એ એક દુરાચારી છે તેમ માનો..તે વડીલોનો આદર નથી કરતો..બધાને રંજાડવાનું કામ કરેછે..અને ક્યારેય ધર્મનું આચરણ નથી કરતો...તેના હોવા કે ના હોવાથી કોઈ જ પૃથ્વીવાસીને કોઈ ફરક નથી પડવાનો કેમકે તે કશું સારું કરતો નથી..
આવા સમયે તમારું કર્તવ્ય શું હોઈ શકે.? એક  ક્ષત્રિય તરીકે..અને એક સમાજના ઉત્તરદાયી નાગરિક તરીકે..??"
બધા શિષ્યોએ અલગ-અલગ જવાબ આપ્યા..છેવટે સૂર્યવંશીઓનો વારો આવ્યો...લક્ષ્મણજી  કહે,"ગુરુજી, આને હવે જીવિત રહેવાનો કોઈ હક નથી, એને મૃત્યુદંડ મળવો જોઈએ.."..લક્ષ્મણને આવતા ગુસ્સાને જોઈ ગુરુજીએ સ્મિત કર્યું..
પછી રામજીને પૂછ્યું,"રામ, તારું શું કહેવું છે પુત્ર?"
રામજી બોલ્યા,"ગુરુદેવ, મારે આ પાપી સાથે કોઈ શત્રુતા નથી! મને તેના પાપ સાથે શત્રુતા છે..જો તેને એ વાતનું ભાન થઇ જાય કે એ જે કરેછે તે બરાબર નથી, તો તેને સમાજે માફ કરી દેવો પડે..પણ જો તે ન માને તો તેને દંડ આપવો જોઈએ.."
ગુરુજી-"એમ માન કે એને કોઈ પસ્તાવો નથી તેને જે કરે છે એમાં..તો હવે તું શું કરીશ?"
આ સાંભળી રામજીએ ધનુષ નો ટંકાર કર્યો..કહે ,"તો હવે મારું  તીર છે અને તેનું મસ્તક છે.."..ગુરુજીની આંખોમાં હકાર પારખી તેમને વીજળીવેગે તેમનું બાણ છોડ્યું..અને પેલા પૂતળાના ચૂરે-ચુરા થઇ ગયા..
"રામ, તું ભવિષ્યમાં એક પ્રખર  પરાક્રમી રાજા બનીશ..મારા આશીર્વાદ છે, તારા તીરોનો કોઈ સામનો નહિ કરી શકે!"-પ્રસન્ન ગુરુદેવ આશીર્વાદ આપતા બોલ્યા..
રામજીના વિચારો જેટલા દ્રઢ છે એટલું જ તેમનું હૃદય કોમળ અને પ્રેમાળ છે..સાંજે તે સરસ્વતીમાતાની આરતીમાં જોડાયા અને વીણા વગાડવા લાગ્યા..તેમની વીણાના તાલે બધા આશ્રમવાસીઓ ડોલી ઉઠ્યા..
અને મિથીલામાં પણ પોતાના ગુરુમાતા પાસે નૃત્ય શીખતા નાનકડા  સીતાજી અચાનક  ડોલી  ઉઠ્યા..અને જાણે કોઈ નૃત્ય-પ્રવીણ હોય તેમ નૃત્ય કરવા માંડ્યા..

 वीणावादिनी मात के सन्मुख राम बजा रहे मादक वीणा..
सुन रहे गुरु और गुरुकुलवासी माता वर्णहु आ रसभिना..
मनसे मनके तार जुड़े , और सीता हुई श्रीराममे लीना..
बेसुध बनकर  नाचे  ऐसे  जेसे  कोई  नृत्य-प्रवीणा.. 

 નૃત્ય કરતા કરતા  સીતાજી અચાનક વિષ્ણુ ભગવાનની મૂર્તિ આગળ ઢળી પડ્યા..બધી સખીઓ અને ગુરુમાતા તેની પાસે દોડી ગયા..     
ઉર્મિલા કહે,"સીતે, આ અચાનક તને શું થઇ ગયું હતું? તું કેમ નૃત્ય કરવા લાગેલી?" 
"ખબર નહિ! મને લાગ્યું કે કોઈ મારા માટે વીણા વગાડી રહ્યુછે.."-ભગવાન સામે જોતા સીતાજી બોલ્યા..
જય સિયારામ...

Saturday, August 6, 2011

વિદ્યા ગ્રહણ..

જય સીયારામ..
ગુરુમાતાને લાગ્યુંકે ભરતને રામજી નહિ મનાવી શકે..પણ જેના હાથમાં જગતની દોરી છે તેનું કહ્યું કોણ ટાળી શકે!તેઓ તેમની પાછળ ગયા..કહે,"ભાઈ આમ ગુરુજીને પૂછ્યા વિના જવું હવે ઠીક નથી..તું જે માતા આગળ જવાની વાત કરેછે શું તેને તારું આવું કાર્ય ગમશે ખરા? આપણાં માત-પિતાએ આપણને આપણાં ભલા કાજે તેમનાથી દુર કર્યાછે..તો આપણું પણ પરમ કર્તવ્ય છે કે હવે તેમની પાસે  વિદ્યા ગ્રહણ કર્યા  બાદ જ જવું..અને વિચાર ભાઈ, તેઓ કદાચ અત્યારે તને સાચવી પણ લે પણ એવું બની શકે કે પહેલા જેવું કશું રહે નહિ!" રામજીની આવી વાત સાંભળીને ભરત શાંત પડ્યા અને માતાને મળવાની ઉત્કંઠા આંખમાંથી આંસુ બનીને દડદડી ગઈ.....ચારે સાંજનું વાળું કરીને, કુટીર તરફ ફર્યા...
જે બાળકો મલમલની કોમળ  શય્યામાં માતા પાસે નિરાંતે સુતાહતા તેઓ આજ દર્ભની પથારી પર સુતા..
ચારેને જાણે નિદ્રા-રાણીએ અબોલા લીધા..શત્રુઘ્ન કહે,"ભાઈ માતાને પણ અત્યારે ઊંઘ નહિ આવતી હોયને! તેઓ આપણને યાદ કરતા હશેને!"
ગુરુમાતા નવા શિષ્યોને અગવડતા નથીને તે જોવા આવતા હતા..પણ આ વાત સાંભળીને તેમનાથી હવે રહેવાયું નહિ..તેઓ ગયા અને ચારેને માતાની જેમ હાલરડાં ગાઈને પોઢાડી દીધા..
માતાઓની પણ એ જ હાલત છે..ત્રણે માતા આજે  ઝરૂખામાં બેઠી-બેઠી નભ સામે જોતી હતી અને જાણે ચાંદાના માધ્યમથી પોતાના પુત્રોને નિહાળતી હતી..અંતર નો વલોપાત ખુબ વધારે હતો..આખરે સુમિત્રાજીએ મૌન તોડ્યું,"આ કેવો વખત  છે દીદી? જયારે આપણાં પુત્રોને વ્હાલ કરવાનું વખત છે ત્યારે જ એમને આપણાંથી દુર મોકલી દેવાના?  હવે કોણજાણે કયારે તેમના મુખને નિહાળીશું? "
કૌશલ્યાજી-"સુમિત્રા, તેઓ જીવનમાં આગળ વધી શકે તે માટેજ આ વિયોગ થયો છે..છેવટે તો તેમનું જ ભલું છેને! "
કૈકેયીજી કહે-"હા સુમિત્રા! અને દુઃખી ના થઈશ! હું મહારાજને વાત કરી જોઇશ..મને આશાછે તેઓ મારી વાત કદાપી નહિ ટાળે..આપણે આપણાં પુત્રોને અવશ્ય મળવા જઈશું!"

જય સીયારામ..

Tuesday, August 2, 2011

આશ્રમ પ્રથમ દિન

જય સીયારામ... 
ગુરુજી સાથે ચારે બાળકો પગપાળા આશ્રમે આવી પહોચ્યા..આશ્રમના પ્રવેશદ્વારે વિટળાયેલી લતાએ તેમના પથમાં કુસુમ ખંખેરીને જાણે તેમનું સ્વાગત કર્યું!!
ચારે બાળકો પણ આ નવા વાતાવરણ ને નિહાળવા લાગ્યા..આશ્રમ કોઈ તપોભૂમિ થી ઓછો ન હતો..
ચારે બાજુ અનેક વ્રુક્ષોથી ઘેરાયેલી નાની-નાની કુટીરો સોહામણી લાગતી હતી..
આશ્રમની એક બાજુ એક મોટું ઘટાદાર વ્રુક્ષ હતું..તેના છાયામાં ચણેલા ઓટલા પર માં સરસ્વતીની પ્રતિમા હતી..
આશ્રમ ની અમુક  સાધ્વીઓ નીર ભરી લાવતી હતી અને બીજી વાછરડાઓને ઘાસ નીરી રહી હતી..
ત્યાં સામેથી  ગુરુમાતા આવતા દેખાયા. ગુરુજી નવા શિષ્યોનો હવાલો તેમને સોપીને બીજી વ્યવસ્થા માં લાગ્યા..
ગુરુમાતા તેમને તેમની કુટીર તરફ લઇજવા લાગ્યા .પરંતુ તળાવમાંથી બહાર આવેલા બતકના બચ્ચાઓ પણ આ નવા અતિથિને જોવામાં તેમના પથમાં રોકાઇ ગયા . આ જોઈ રામજી બોલ્યા," મિત્રો, અમને માર્ગ નહિ આપો કે?" અને ટોળું જાણે તેમની ભાષા સમજતું હોય તેમ ખસી ગયું..
અહી કામધેનુની પુત્રી નંદીની ગાય પણ હતી..તેમના મુક આશિષ પણ ચારેયે લીધા..
આખો દિવસ ક્યાય પસાર થઇ  ગયો..નવા મિત્રોને મળવામાં, આશ્રમના પ્રકૃતિમય વાતાવરણમાં સમયનું ભાન જ ન રહ્યું..બીજા દિવસથી વિદ્યારંભ કરવાનો હતો.
 સાંજ થઇ..બાળકો તેમની કુટિરના પગથીયે બેઠા હતા..
 વનમાં ગયેલી  ગાયોનું ધણ આશ્રમે પાછું ફર્યું..અને સીધું ગમાણમાં જઇ પહોચ્યું..
છુટેલા વાછરડાઓ પોતપોતાની માંને થાને વળગ્યા..આ જોઈ ચારે બાળકોનું મન વિચલિત થઇ ગયું!
આખો દિવસ યાદ ના આવેલી માતાઓની  યાદ હવે આવી..ભરતથી હવે રહેવાયું નહિ! તેની આંખોમાં આંસુ આવી ગયા..રામજીને કહે,"ભાઈ,મને માની બહુ યાદ આવેછે!"
રામજી-"એમની યાદ તો મને પણ આવેછે ભરત!"
સામે જ ગુરુજી ની કુટીર હતી..ગુરુમાતા પણ આ દ્રશ્ય જોતા હતા..પણ બાળકોની આવી નિર્દોષ વાતો સાંભળીને તેમનાથી રહેવાયું નહિ..તે ભરતને છાનો રાખવા જવા લાગ્યા..પણ ગુરુજીએ તેમને રોક્યા.
કહે,"દેવી,આશ્રમે આવતા દરેક બાળકની પહેલી સાંજ આવી જ હોય છે..પણ જે આ એક સાંજને જીરવી જાયછે, તે જ આગળ જતા મોટી મોટી ઉપાધિઓને સંભાળવા સક્ષમ  બને છે .તમે અત્યારે માત્ર જુઓકે બાળકો કેવી રીતે આમાંથી બહાર આવેછે!" અને ગુરુમાતા કચવાતા મને મુક-પ્રેક્ષક બની રહ્યા..
ભરતને બધા ભાઈઓએ સમજાવ્યા પણ તેમની માંને મળવાની ઈચ્છા વધુ બળવત્તર બની..
કહે,"હું તો માતા આગળ જાઉં છું.."
તે અચાનક ઉઠ્યા અને આશ્રમના પ્રવેશદ્વાર તરફ જવા લાગ્યા.. પાછળ ત્રણે ભાઈઓ તેને મનાવવાના પ્રયાસે દોડવા માંડ્યા..
જય સીયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth