Wednesday, December 11, 2013

રાજા દશરથ વિલાપ

જય સિયારામ..

રાણી કૈકેયી એ જે બે વચનો માંગ્યા, એમાં પહેલું વચન હતું, પોતાના પુત્ર  ભરતનો રાજ્યાભિષેક અને બીજું, શ્રીરામને ચૌદ વરસનો તપસ્વી વેશમાં વનવાસ..

બીજું વચન સાંભળતા જ જાણે રાજા દશરથ પર વીજળી ત્રાટકી.. ભરતનો રાજ્યાભિષેક તેમને માન્ય હોત પણ સાથે રામને વનવાસ? પોતાના સૌથી પ્રિય પુત્રને વનવાસ ! હજી કાલે તેનો રાજ્યાભિષેક છે અને એક રાતમાં શું થઇ ગયું!
ભાનમાં આવતા જ તેમને થયું કે આ બધું જ સ્વપ્ન છે..પણ સામે અકળ મુદ્રામાં ઉભેલી પોતાની રાણીને જોઈ તેમને ભાન થયું કે આ સ્વપ્ન નથી.. તેમણે આજીજી ભર્યા સ્વરે કહ્યું,"કૈકેયી, આ શું માંગી લીધું તમે?
કઈ બીજું માંગો પણ આ વચન પાછું લઈલો..."

રાણી કૈકેયીએ તરત ઉત્તર વાળ્યો,"આપવું હોય તો આ જ આપો..નહિ તો અહીથી જતા રહો અને આજ પછી ફરી કોઈને કહેશો નહિ કે રઘુવંશી પ્રતિજ્ઞા પાળી બતાવે છે કે પ્રાણ જાય પણ વચન ન જાય!!. વચન તો શિબીરાજા, દધીચિ અને બલિરાજાએ પાળી બતાવ્યા છે..પોતાના શરીરની પણ ચિંતા ના કરી..અને તમે તો પુત્રમોહમાં અટવાઓ છો! " મોં મચકોડતા રાણીએ કહ્યું.



રાજા દશરથની સ્થિતિ વિકટ છે. આઘાતને લીધે તેઓ ચાલવા પણ સક્ષમ નથી છતાં કૈકેયીજીને સમજાવવા પ્રયત્ન કરે છે...

मोरे भरत रामु दुई आँखी , सत्य कहूऊँ करी संकरु सांखी|

"કૈકેયી, તમે મારા પ્રેમ અને વિશ્વાસની મજાક કરો છો..ભગવાન શંકરને સાક્ષી માનીને કહું છું કે ભરત અને રામ તો મારી બે આંખ સમાન છે.. આપણા રીવાજો મુજબ જયેષ્ઠ પુત્ર જ રાજા બને છે..છતાં એ રીવાજની અવગણના કરીને હું ભરતને રાજ્ય ખુશીથી આપું છું.. સવાર થતા જ દૂતો ને મોકલીને ભરત અને શત્રુઘ્નને મોસાળેથી બોલાવી લઈશું. રામને રાજ્યનો મોહ નથી. અને ભરત પર તો તેને વિશેષ પ્રેમ છે...તને પૂછ્યા વિના બધું કર્યું છે એથી જો તું દુ:ખી હોય તો હવે ખુશ થા. હવે તો તારી ઈચ્છા મુજબ ભરત રાજા બનશે.. પણ આ બીજું વચન સમજ વિનાનું માંગ્યું છે તે... રામથી કોઈ ભૂલ થઇ છે? દુશ્મનને પણ અનુકુળ હોય એવો સ્વભાવ છે રામનો..એ વાત તું પણ જાણે છે... તારો પણ પ્રિય પુત્ર છેને એ? એના કોમળ ચરણ વનના કષ્ટો કેવી રીતે સહન કરશે પ્રિયે?
હવે જલ્દી બીજું કોઈ વિવેકપૂર્ણ વચન માંગી લે જેથી ભરતનો રાજ્યાભિષેક આપણે સૌ આનંદથી માણી શકીએ.. "

કૈકેયીજી-"મને વાતોથી ભરમાવશો નહિ..બંને વચનો સાથે જ પૂર્ણ થવા જોઈએ. જો સવાર થતા રામ વનપ્રયાણ નહિ કરે તો તમારો અપયશ નક્કી છે! "

રાજા દશરથ-
" कहऊ सुभऊ न छलु मन माहीं , जीवनु मोर राम बिनु नाही..

રાણી, મનમાં કોઈ પણ કપટ રાખ્યા વિના કહું છું કે રામ વિના હું જીવી શકીશ નહિ.. ભરતને અન્યાય નથી થવાનો અને રામને વનવાસ જતા હું કોઈ કાળે જોઈ શકીશ નહિ..."અજાણપણે  ભવિષ્યની સત્ય આગમવાણી કરતા રાજા દશરથ બોલ્યા... જે રાજા એ ભૂતકાળમાં અસંખ્ય યુદ્ધો જીત્યા હતા, એ આજે વચન પાસે લાચાર હતા.. આંખમાં આંસુઓ આવવાને લીધે તેમને સામેનું દ્રશ્ય વિચલિત દેખાતું હતું.. ઉભા થતા સાથે જ કશી વસ્તુ સાથે અથડાતા પડતા રહી ગયા..રાણીએ આધાર આપીને પોતાના છત્ર પલંગ પર બેસાડ્યા..અને ફરીથી કહ્યું, "જો આપવાની શક્તિ નહોતી તો પછી કયા આધારે મને વચનો આપ્યા? હવે વચન પૂર્ણ કરો અથવા તો જે ગર્વથી રઘુવંશીની ટેક રાખી છે તે સદા માટે તોડો..."

રાત વધુ ઘનઘોર થઇ.. અર્ધ-જાગૃત એવા રાજા શય્યામાં રડ્યા કરે છે અને ન સંભળાય તેવા સ્વરે વિલાપ કર્યા કરે છે.. એમની અબળા જેવી ચેષ્ઠાઓં થી કંટાળીને રાણી કક્ષમાં આંટા કરે છે અને પોતાનું વચન પૂરી થવાની રાહ જુએ છે.. રાતના પ્રહર સાથે રાજાનો વિલાપ વધતો ચાલ્યો ..
" હે સૂર્ય દેવતા! કાલે ઉદય ના થશો..જો કાલે સવાર પડશે તો ચૌદ વરસ સુધી અયોધ્યામાં અંધારું થશે..."
વારંવાર આર્દ્ર સવારે રાજા અનેક દેવતાઓને વિનંતી કરે છે...

Raja Dashrath Vilaap Video



પરોઢ થયું.. વીણા,વાંસળી અને શંખનાદ રાજદ્વારે ગુંજી ઉઠ્યા.. દીક્ષા લેવી હોય એને શણગાર ગમતા નથી તેવી રીતે આ મંગલગાન રાજાને કઠોર લાગ્યા...
રાજદ્વારે સેવકો, સચિવોની ભીડ લાગી.. બધા એક બીજાને પૂછતાં હતાં." શું રાજાજી હજી ઉઠ્યા નથી? કોઈ ખાસ કારણ તો નથી ને? કોઈ જાઓ અને એમને જગાડો જેથી આજનો શુભ પ્રસંગ શરુ થઇ શકે... "
આખરે રાજાના ખાસ મંત્રી એવા સુમંત્રજી રાજમહેલમાં ગયા...  રાણી કૈકેયીનો મહેલ આજે બિહામણો ભાસી રહ્યો હતો.. તેઓ રાજાને મળવા ગયા પણ ત્યાં જઈને રાજાની દશા જોતા સ્તબ્ધ રહી ગયા...!!

જય સિયારામ..

Friday, November 8, 2013

રાણી કૈકેયીજીના બે વચનો...

જય સિયારામ..

રાણી કૈકેયીજીએ મંથરાને અત્યંત નિકટની અને વિશ્વાસુ માની. એના કહ્યા મુજબ એ કોપભવનમાં જવા નીકળ્યા.
જતા જતા મંથરાએ સલાહ આપી ,"સૌ પ્રથમ મહારાજ પાસે રામના સોગંદ લેવડાવજો પછી જ કશું કહેજો જેથી મહારાજ વચનફેર કરી ના શકે.. આજે રાતે જ આ કામ પૂરું થઇ જવું જોઈએ નહિ તો બાજી બગડી જશે.."

રાજદરબારમાં ખુબ જ ભીડ જામી છે. કોઈ અંદર જાય છે તો કોઈ બહાર જાય છે..રાજ્યાભિષેકના શણગારોને આખરી ઓપ આપે છે. શ્રીરામના બાળસખાઓ શુભ સમાચાર સાંભળી તેમને મળવા આવી રહ્યા છે..
સાંજે મહારાજ દશરથ અત્યંત ખુશ થઈને પોતાની પ્રિય રાણી કૈકેયીના મહેલે જાય છે..
પરંતુ ત્યાં ગયા બાદ મંથરા દ્વારા ખબર પડી કે રાણી કોપભવનમાં છે..
ચિંતા હોવા છતાં મહારાજના મુખે સ્મિત આવ્યું. મનમાં વિચાર્યું ,"લાગે છે એને મળવા આવવામાં વિલંબ થયો એટલે રિસાયા છે..કશો વાંધો નહિ .જલ્દી જ માની જશે..એમ પણ પોતાના પુત્રનો રાજ્યાભિષેક છે..જો કોઈ ભેટ માટે હોય તો થોડી ઘણી સ્ત્રીહઠ માન્ય છે..."

રાજા કોપભવનમાં ગયા. પરંતુ આ શું? રાણીના સદા સ્મિત રમાડતા મુખ પર આજે સહજ હાસ્ય નહોતું. જુના વસ્ત્રો પહેર્યા હતા. બધા જ આભૂષણો ત્યાગી કાળી ટીલડીઓ કરી હતી. અને જમીન પર સુતા હતા..
તેમનો આ વેશ ભાવિ વૈધવ્યનું સૂચક બનશે એવી કોને ખબર હતી !

રાજાજી જઈને તેમની પાસે બેઠા. તેમને વહાલ ભર્યો સ્પર્શ કરવા જતા રાણી વધુ ક્રોધે ભરાયા. રાજાજી મૃદુ સવારે બોલ્યા,"શું વાત છે? શા કારણે અમારી પ્રિય રાણીને રીસાવું પડે છે ? ચંદ્ર જેવા મુખ પર અમાસ કેમ છે ? "
રાણીએ કોઈ ઉત્તર ન આપ્યો. ઉલટાનું આંખમાનું કાજળ આંસુમાં ભીંજાઈને મુખ પર આવ્યું.
રાજાજીએ ફરી મનાવવા પ્રયાસ કર્યો, "લાગે છે નગરમાં કોઈ છે જેને યમદ્વાર જોવો છે..એવું કોણ છે જેણે તમારું અહિત કર્યું છે ? તું બોલે તો ખબર પડે.. "
 કોઈ ઉત્તર ન મળતા હવે રાજાને લાગ્યું કે કશુંક ગંભીર છે. તેઓ બોલ્યા, "તને ખબર છે કે આજ સુધી તારી દરેક ઈચ્છા પૂરી થઇ છે..કોઈ પણ વાત હૃદયમાં રાખ્યા વિના નિ:સંકોચ જણાવ.  "રાજાજી આર્દ્ર સ્વરે બોલ્યા.
અને પછી ઉમેર્યું,"તારે મનગમતું જે જોઈતું હશે તે મળશે .અને આ તો શુભ અવસર છે જે જોઈએ એ બોલ. પણ આવા શુભ સમયે આવો કુવેશ ન કર. નવા વસ્ત્રો અને આભૂષણો સાથે થોડો સ્મિતનો શૃંગાર કરી આ કોપભવનમાં થી બહાર ચાલ.. તું કઈ કહે ને હું ન માનું તો મને આજે રામના સોગંદ છે...!!!!"

પોતાની જાતે જ મહારાજે સોગંદ લઇ લીધા એ વિચારે કૈકેયીજીના મુખે રોનક આવી. પોતાના મહેલમાં જઈને તેઓએ  અવસર પ્રમાણે શૃંગાર કર્યો. અને પતિની પાસે ગયા.
દશરથજી બોલ્યા,"પ્રિયે! તને મનગમતું જ થયું છે! આવતી કાલે તારા સૌથી પ્રિય એવા પુત્ર રામને એક પદ સોપું છું.. "

જેવી રીતે ચોરને જાહેરમાં સજા થતી હોય તો તેની પત્ની દુ:ખી હોવા છતાં બધાની સામે રડી ન શકે તે જ રીતે રાણી કૈકેયીને ન ગમતું હોવા છતાં પ્રારંભમાં સ્મિત કર્યું.

રાજાના કહેવા પર તેમણે ફરીથી બનાવટી છણકો કર્યો," હંમેશા કંઈક માંગવાનું કહો છો , મેં કશું માંગ્યું છે ક્યારેય ? તમને પેલી વર્ષો પહેલાની ઘટના યાદ છે ? એક ભીષણ યુદ્ધમાં તમે ફસાઈ ગયા હતા. અને કોઈની ગદાનાં પ્રહારથી આપના રથના પૈડાની ધરી નીકળી ગઈ. રથમાં ત્યારે હું પણ હતી અને મેં....."

રાણીને અટકાવતા રાજા બોલ્યા, "અને તમે એ પૈડાની ધરીની જગ્યાએ તમારા આ કોમળ હાથની  આંગળી મૂકી રથને પડતો બચાવ્યો હતો. "  વર્ષો જુનું નિશાન જાણે હજી તાજું હોય એમ કૈકેયીજીના હાથને પોતાના હાથમાં લેતા રાજા ફરી બોલ્યા, "એટલું જ નહિ, આ ઘાયલ મહારાજને હજારો શત્રુઓ સામે  લડીને હેમખેમ મહેલએ લઇ આવવા વાળા પણ આજના આ રિસાયેલા મહારાણી હતા..."

હવે કૈકેયીજી ની ધીરજ ઘટતી ચાલી, " ત્યારે તમે ખુશ થઈને મને બે વરદાન માંગવા કહ્યું હતું. "
દશરથજી- "અને તમે સમય આવ્યે માંગશો એવું કહ્યું હતું.."
કૈકેયીજી -"તો એ વરદાન આજે જ પૂરા થાય તો કેવું! "
દશરથજી -"માગો! ત્યારે એક શું! આજે તો જેટલું માંગશો તે થશે..પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુકુળની પરંપરા રહી છે હમેશા થી. વળી, આજે તો મેં રામના સોગંદ પણ લીધા છે.. ."

પછી જે કંઈ રાણી કૈકેયીએ માંગ્યું એ અશુભ હોવાનો સંકેત આપતું હોય તેમ એક નિશાચર પક્ષી મહેલ પરથી ચીસ પાડતું ઉડ્યું. રાજ્યાભિષેકની તૈયારીઓમાં ડૂબેલા અયોધ્યાએ જો થોડીવાર કોલાહલ શાંત કર્યો હોત તો તેમને કદાચ રાજા દશરથના બેશુદ્ધ થઈને જમીન પર પડવાનો અવાજ પણ સંભળાત...!!

જય સિયારામ..

Monday, October 14, 2013

કૈકેયીજી-મંથરા વાર્તાલાપ

જય સિયારામ..

આ બાજુ શ્રીરામના રાજ્યભિષેકની તૈયારી જોર-શોરથી ચાલે છે.. મુનિવરો રાજ્યાભિષેક માટે જરૂરી એવા ઔષધ, મૂળ, ફૂલ -ફળ, પાન વગેરે માંગલિક વસ્તુઓની નામાવલી બનાવે છે..જે પ્રભુ એ બધા તીર્થોને પવિત્ર કર્યા એ પ્રભુ માટે બધા તીર્થસ્થાનોના જળ મંગાવવામાં આવેછે.
વેદશાસ્ત્રમાં જણાવ્યા મુજબ મંડપો રચવામાં આવી રહ્યા છે..
ધજા,તોરણ,પતાકા,કળશ, ઘોડા-હાથીઓ અને શણગારેલા રથ નગરને શોભાયમાન બનાવી રહ્યા છે..

પોતાની વાત રાણી સમજતા નથી એટલે મંથરાએ નવો રસ્તો કાઢ્યો..
આંખમાં આંસુ સાથે કહ્યું," હું ખરે જ પાપીણી છું.. સાચું કહેવા જતા આપને દુખ થયું..
તમને મનગમતી, બનાવટી અને ખોટી વાતો કહેનારા જ વધુ પ્રિય છે..
હું પણ એવું જ કરીશ.. નહિ તો દિવસ-રાત મૂંગી જ રહીશ..
વિધાતાએ મને પરવશ બનાવી છે..આપ્યું હોય એવું મળે..
કોઈ ભલે ને હવે નૃપ બને મને શી હાની!
હું કઈ દાસી મટીને રાણી તો ન બની શકું ને! જે ભાગ્યમાં હોય એ થાય!!"

દૈવીમાયાથી ભ્રષ્ટ થયેલી મતિ વાળી મંથરાની ગુઢ અને કપટ ભરી વાણી સાંભળી હવે કૈકેયીજી તેને હિતેચ્છુ માનવા લાગ્યા.. શબરીના ગાનમાં જેમ મૃગી મોહી પડે તેમ ભ્રમિત થયેલા કૈકેયીજી શાંતિથી મંથરાને પૂછવા લાગ્યા..આ ફેરફાર જોઈ દાસીને પોતાનો દાવ સફળ થયાની ખાતરી થઇ..
આ પછી એવી કુટિલ વાતો રાજ્યાભિષેક સાથે જોડી કે પરસ્પર અંટસ અને વેરભાવ વધી જાય..

ભાગ્ય મુજબ કૈકેયીજીને મંથરા પર વધુ વિશ્વાસ થયો એટલે મંથરાએ ફરી કહ્યું,"પશુ પણ પોતાનું હિત અને અહિત જાણે છે..તમને તો હજી સમજણ નથી પડતી..કોઈ બીજા દ્વારા તમને રાજ્યાભિષેકની જાણ થાય છે..એટલે સમજી લેજો કે ભવિષ્યમાં જો તમે આ નવા બનતા રાજાની સેવા-ચાકરી નહિ કરો તો દુધમાં પડેલી માખી સમાન બનશો.. લક્ષ્મણ તો પહેલેથી જ રામજીના મંત્રી છે અને ભવિષ્યમાં પણ એ જ થશે...પણ ભરત ? એને કારાવાસ જ મળશે.."

આવું સાંભળી રાણી કૈકેયીનો કંઠ સુકાઈ ગયો.. કશું જ બોલી ના શક્યા.. આ જોઈ મંથરાએ આખરી દાવ લગાવ્યો.."હું જાણું છું તમને રામ-સીતા ખુબ જ વહાલા છે..અને રામને તમે પ્રિય છો એ પણ માની લઉં છું..પણ એ ભૂતકાળ હતો.. સમય બદલતા મિત્રો પણ દુશ્મન બની જાય છે.. તમારો સ્વભાવ સરળ છે એટલે જ તમે રાજાજીના પ્રિય છો.. પણ માતા કૌશલ્યાએ જ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરવાની સલાહ આપી છે..પતિને પોતાની કરતા કોઈ બીજી રાણી અધિક પ્રિય હોય એવું કઈ રાણી ચલાવી લે ભલા!?
એટલે જ આ બધું થયું છે.. અને,રામજીનો રાજ્યાભિષેક થાય તો ઉચિત જ છે..એ જયેષ્ઠ છે અને જ્યેષ્ઠ કુંવર જ યુવરાજ હોય એવી પરંપરા પણ છે.. પણ રામના રાજ્યાભિષેક પછી આગળ વિચારતા હું ડરું છું.."

હવે કૈકેયીજીએ મૌન ભંગ કર્યું...કહ્યું," મંથરા, મેં કદી કોઈનું પણ અહિત કર્યું નથી..છતાં આવું થાય છે? મને સમજ નથી પડતી કે હવે શું કરું! પણ રાણી થઈને સેવા ચાકરી તો નહિ જ કરું..આવું જીવન જીવવા કરતા મરવાનું પસંદ કરીશ.. "
મંથરાએ ધીરજ બંધાવી,"તમે આમ મનમાં ઓછું આણો એ કેમ ચાલે! તમારું સુખ દ્વિગુણિત થાઓ..
તમે આજ્ઞા આપો તો એક ઉપાય કહું.. બધું બરાબર થઇ રહેશે...બસ એક વાતનો ખ્યાલ રાખજો કે એકાએક કોઈ પણ વાત પર વિશ્વાસ ના કરશો  અને પોતાની માંગણી છોડશો નહિ..."

અને પછી રાણી કૈકેયીને મંથરાએ મીઠા મધમાં ઝેર ઘોળીને આપ્યું....

જય સિયારામ..


Friday, June 21, 2013

રાજ્યભીષેક પૂર્વે continue...

જય સિયારામ..

એ વ્યક્તિ હતી મંથરા ..મહારાણી કૈકેયી સાથે પિયરથી  આવેલી તેમની અત્યંત વિશ્વાસુ દાસી .
બધી જગ્યાએ શ્રીરામને મળતું મહત્વ અને પ્રેમ એને કઠતા.
શ્રીરામને મહારાજ બનાવવાની વાત એને ના રૂચી. જયારે એણે સાંભળ્યું કે રાજ્યાભિષેક ખુબ જલ્દી થવાનો છે ત્યારે તો એના મનમાં વધારે શંકા ઉપજી..
એ સીધી મહારાણી કૈકેયી પાસે પહોચી ગઈ...
મંથરા- "મહારાણી, આ શું થઇ રહ્યું છે? તમે કઈ સાંભળ્યું?"
કૈકેયીજી તો સાતમા આસમાને હતા..પોતાનો પ્રિય પુત્ર રાજા બનવાનો હોય તો કઈ માતાને આનંદ ના હોય! એમણે મંથરાએ કહેલી વાત પાછળ નો ભાવ અવગણ્યો..
કૈકેયીજી- "હા મને જાણ છે જ..તું અત્યારે બસ એક કામ કરી આપ મને. નગરના શ્રેષ્ઠ સોનીને બોલાવ.
મારે મારા તથા માંડવી અને ઉર્મિલા માટે નવા આભૂષણો કરાવવા છે"
આ સાંભળી તો મંથરાને વધુ ગુસ્સો આવ્યો...
મંથરા-"આ શેનું ગાંડપણ ચડ્યું છે તમને?? રાણી કૌશલ્યાનો પુત્ર રાજા બની રહ્યો છે..તમને કઈ ભાન છે?"
કૈકેયીજી-" રામ તો મારો પુત્ર છે મંથરા..અને એ રાજા બનશે એ વિચારે જ મને આટલો બધો આનંદ આવે છે.."
મંથરા-"મહારાણી! અત્યારે તમારો વિરોધ કરવાનો વખત છે અને તમે તો રાજ્યાભિષેક ની તૈયારીઓ કરો છો?"
કૈકેયીજી-"શેનો વિરોધ મંથરા?"
મંથરા-" આ રાજ્યાભિષેક નથી..ષડયંત્ર થઇ રહ્યું છે..અને એ પણ ખુબ જ સમજી વિચારી ને.."
કૈકેયીજી-"આ શું બોલે છે તું? લાગે છે તારા શરીર ની માફક તારી બુદ્ધિ પણ વક્ર દશાને વરેલી છે.."
મંથરા-" જે કહો એ..હું ચુપ નહિ રહું..તમે જ વિચારો..શા માટે આ રાજ્યાભિષેક અત્યારે જ થઇ રહ્યો છે? અત્યારે તો કુમાર ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા છે..ક્યાંક આ તકનો લાભ જ નથી લેવાતો ને? અને રામ જ રાજા કેમ? એવી શું ખાસિયત છે એના માં જે કુમાર ભરત માં નથી? શું તમે માનીતા રાણી નથી રહ્યા મહારાજના?"
કૈકેયીજી એ પોતાના કાન આડા હાથ મૂકી દીધા -" બસ..ચુપ કર મંથરા..રામની વિરુદ્ધ  હું એકપણ શબ્દ સાંભળવા નથી માંગતી.."
મંથરા-"રામ..રામ..રામ..જ્યાં જુઓ ત્યાં એના જ ગુણગાન..ખુદ માતા પોતાના સંતાનની ફિકર છોડીને એના ગુણગાન ગાય છે.."
હવે કૈકેયીજીથી ગુસ્સો સહન ના થયો..કક્ષની સોનવર્ણી દીવાલે ચળકતી તલવાર કાઢીને મંથરાના ગળે મૂકી.."કુબડી, જતી રહે અહીંથી..નહિ તો આ શુભ અવસરે મારા હાથે તારો વધ થઇ જશે.. "

જય સિયારામ..

Tuesday, June 4, 2013

રાજ્યાભિષેક પૂર્વે....

જય સિયારામ..

થોડા દિવસ બાદ રાજા દશરથ પોતાને આયનામાં જુએ છે..અને અચાનક
કંઇક તેમના ધ્યાનમાં આવે છે..પછી કશુંક વિચારી સ્મિત કરે છે અને રાજસભામાં જવાતૈયાર થાય છે..
પોતાનો વિચાર અમાત્યો અંને મંત્રીઓ પાસે રજુ કર્યો.
બધેથી તેમના આ અતિ મંગલમય વિચારને સરાહના મળી..
હવે મહારાજે જયોતિષાચાર્યને બોલાવ્યા . અને એ પરમ સુખદાયી કાર્ય માટે બહુ જ નજીકનું મુહુર્ત નક્કી થયું..
તે જ દિવસે નગરમાં બધાએ ઢંઢેરો સાંભળ્યો ,"સાંભળો, સાંભળો...રાજા દશરથની નિવૃત્તિ પ્રસંગે અયોધ્યામાં ભવ્ય મેળાવડો યોજાયો છે..તેમજ અયોધ્યાના જયેષ્ઠ કુંવર શ્રીરામચંદ્રના રાજ્યાભિષેક પ્રસંગે સૌ પ્રજાજનોને આવવાનું સહર્ષ આમંત્રણ પાઠવવામાં આવે છે.. "

લોકો એકબીજાને વધાઈ દેવા માંડ્યા. પ્રજાજનોના પરમપ્રિય કુંવર હવે અવધપતિ બનવા જઈ રહ્યા હતા.
 જાનકીને મહારાણીના રૂપમાં કલ્પના કરતા લોકો થાકતા નહોતા..બધે જ આનંદ આનંદ થઇ રહ્યો.
બધા લોકો પોતાની વ્યાધિઓ ભૂલીને આ દુર્લભ અવસર નિહાળવાની તૈયારીઓ કરવા લાગ્યા.
પરંતુ જ્યાં આખું અયોધ્યા જે વાતને લઈને હિલોળે ચડ્યું હતું, ત્યાં જ એ વાત ને લઈને એક વ્યક્તિ અત્યંત નાખુશ હતી...

જય સિયારામ..


Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth