Monday, October 14, 2013

કૈકેયીજી-મંથરા વાર્તાલાપ

જય સિયારામ..

આ બાજુ શ્રીરામના રાજ્યભિષેકની તૈયારી જોર-શોરથી ચાલે છે.. મુનિવરો રાજ્યાભિષેક માટે જરૂરી એવા ઔષધ, મૂળ, ફૂલ -ફળ, પાન વગેરે માંગલિક વસ્તુઓની નામાવલી બનાવે છે..જે પ્રભુ એ બધા તીર્થોને પવિત્ર કર્યા એ પ્રભુ માટે બધા તીર્થસ્થાનોના જળ મંગાવવામાં આવેછે.
વેદશાસ્ત્રમાં જણાવ્યા મુજબ મંડપો રચવામાં આવી રહ્યા છે..
ધજા,તોરણ,પતાકા,કળશ, ઘોડા-હાથીઓ અને શણગારેલા રથ નગરને શોભાયમાન બનાવી રહ્યા છે..

પોતાની વાત રાણી સમજતા નથી એટલે મંથરાએ નવો રસ્તો કાઢ્યો..
આંખમાં આંસુ સાથે કહ્યું," હું ખરે જ પાપીણી છું.. સાચું કહેવા જતા આપને દુખ થયું..
તમને મનગમતી, બનાવટી અને ખોટી વાતો કહેનારા જ વધુ પ્રિય છે..
હું પણ એવું જ કરીશ.. નહિ તો દિવસ-રાત મૂંગી જ રહીશ..
વિધાતાએ મને પરવશ બનાવી છે..આપ્યું હોય એવું મળે..
કોઈ ભલે ને હવે નૃપ બને મને શી હાની!
હું કઈ દાસી મટીને રાણી તો ન બની શકું ને! જે ભાગ્યમાં હોય એ થાય!!"

દૈવીમાયાથી ભ્રષ્ટ થયેલી મતિ વાળી મંથરાની ગુઢ અને કપટ ભરી વાણી સાંભળી હવે કૈકેયીજી તેને હિતેચ્છુ માનવા લાગ્યા.. શબરીના ગાનમાં જેમ મૃગી મોહી પડે તેમ ભ્રમિત થયેલા કૈકેયીજી શાંતિથી મંથરાને પૂછવા લાગ્યા..આ ફેરફાર જોઈ દાસીને પોતાનો દાવ સફળ થયાની ખાતરી થઇ..
આ પછી એવી કુટિલ વાતો રાજ્યાભિષેક સાથે જોડી કે પરસ્પર અંટસ અને વેરભાવ વધી જાય..

ભાગ્ય મુજબ કૈકેયીજીને મંથરા પર વધુ વિશ્વાસ થયો એટલે મંથરાએ ફરી કહ્યું,"પશુ પણ પોતાનું હિત અને અહિત જાણે છે..તમને તો હજી સમજણ નથી પડતી..કોઈ બીજા દ્વારા તમને રાજ્યાભિષેકની જાણ થાય છે..એટલે સમજી લેજો કે ભવિષ્યમાં જો તમે આ નવા બનતા રાજાની સેવા-ચાકરી નહિ કરો તો દુધમાં પડેલી માખી સમાન બનશો.. લક્ષ્મણ તો પહેલેથી જ રામજીના મંત્રી છે અને ભવિષ્યમાં પણ એ જ થશે...પણ ભરત ? એને કારાવાસ જ મળશે.."

આવું સાંભળી રાણી કૈકેયીનો કંઠ સુકાઈ ગયો.. કશું જ બોલી ના શક્યા.. આ જોઈ મંથરાએ આખરી દાવ લગાવ્યો.."હું જાણું છું તમને રામ-સીતા ખુબ જ વહાલા છે..અને રામને તમે પ્રિય છો એ પણ માની લઉં છું..પણ એ ભૂતકાળ હતો.. સમય બદલતા મિત્રો પણ દુશ્મન બની જાય છે.. તમારો સ્વભાવ સરળ છે એટલે જ તમે રાજાજીના પ્રિય છો.. પણ માતા કૌશલ્યાએ જ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરવાની સલાહ આપી છે..પતિને પોતાની કરતા કોઈ બીજી રાણી અધિક પ્રિય હોય એવું કઈ રાણી ચલાવી લે ભલા!?
એટલે જ આ બધું થયું છે.. અને,રામજીનો રાજ્યાભિષેક થાય તો ઉચિત જ છે..એ જયેષ્ઠ છે અને જ્યેષ્ઠ કુંવર જ યુવરાજ હોય એવી પરંપરા પણ છે.. પણ રામના રાજ્યાભિષેક પછી આગળ વિચારતા હું ડરું છું.."

હવે કૈકેયીજીએ મૌન ભંગ કર્યું...કહ્યું," મંથરા, મેં કદી કોઈનું પણ અહિત કર્યું નથી..છતાં આવું થાય છે? મને સમજ નથી પડતી કે હવે શું કરું! પણ રાણી થઈને સેવા ચાકરી તો નહિ જ કરું..આવું જીવન જીવવા કરતા મરવાનું પસંદ કરીશ.. "
મંથરાએ ધીરજ બંધાવી,"તમે આમ મનમાં ઓછું આણો એ કેમ ચાલે! તમારું સુખ દ્વિગુણિત થાઓ..
તમે આજ્ઞા આપો તો એક ઉપાય કહું.. બધું બરાબર થઇ રહેશે...બસ એક વાતનો ખ્યાલ રાખજો કે એકાએક કોઈ પણ વાત પર વિશ્વાસ ના કરશો  અને પોતાની માંગણી છોડશો નહિ..."

અને પછી રાણી કૈકેયીને મંથરાએ મીઠા મધમાં ઝેર ઘોળીને આપ્યું....

જય સિયારામ..


Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth