Wednesday, December 11, 2013

રાજા દશરથ વિલાપ

જય સિયારામ..

રાણી કૈકેયી એ જે બે વચનો માંગ્યા, એમાં પહેલું વચન હતું, પોતાના પુત્ર  ભરતનો રાજ્યાભિષેક અને બીજું, શ્રીરામને ચૌદ વરસનો તપસ્વી વેશમાં વનવાસ..

બીજું વચન સાંભળતા જ જાણે રાજા દશરથ પર વીજળી ત્રાટકી.. ભરતનો રાજ્યાભિષેક તેમને માન્ય હોત પણ સાથે રામને વનવાસ? પોતાના સૌથી પ્રિય પુત્રને વનવાસ ! હજી કાલે તેનો રાજ્યાભિષેક છે અને એક રાતમાં શું થઇ ગયું!
ભાનમાં આવતા જ તેમને થયું કે આ બધું જ સ્વપ્ન છે..પણ સામે અકળ મુદ્રામાં ઉભેલી પોતાની રાણીને જોઈ તેમને ભાન થયું કે આ સ્વપ્ન નથી.. તેમણે આજીજી ભર્યા સ્વરે કહ્યું,"કૈકેયી, આ શું માંગી લીધું તમે?
કઈ બીજું માંગો પણ આ વચન પાછું લઈલો..."

રાણી કૈકેયીએ તરત ઉત્તર વાળ્યો,"આપવું હોય તો આ જ આપો..નહિ તો અહીથી જતા રહો અને આજ પછી ફરી કોઈને કહેશો નહિ કે રઘુવંશી પ્રતિજ્ઞા પાળી બતાવે છે કે પ્રાણ જાય પણ વચન ન જાય!!. વચન તો શિબીરાજા, દધીચિ અને બલિરાજાએ પાળી બતાવ્યા છે..પોતાના શરીરની પણ ચિંતા ના કરી..અને તમે તો પુત્રમોહમાં અટવાઓ છો! " મોં મચકોડતા રાણીએ કહ્યું.



રાજા દશરથની સ્થિતિ વિકટ છે. આઘાતને લીધે તેઓ ચાલવા પણ સક્ષમ નથી છતાં કૈકેયીજીને સમજાવવા પ્રયત્ન કરે છે...

मोरे भरत रामु दुई आँखी , सत्य कहूऊँ करी संकरु सांखी|

"કૈકેયી, તમે મારા પ્રેમ અને વિશ્વાસની મજાક કરો છો..ભગવાન શંકરને સાક્ષી માનીને કહું છું કે ભરત અને રામ તો મારી બે આંખ સમાન છે.. આપણા રીવાજો મુજબ જયેષ્ઠ પુત્ર જ રાજા બને છે..છતાં એ રીવાજની અવગણના કરીને હું ભરતને રાજ્ય ખુશીથી આપું છું.. સવાર થતા જ દૂતો ને મોકલીને ભરત અને શત્રુઘ્નને મોસાળેથી બોલાવી લઈશું. રામને રાજ્યનો મોહ નથી. અને ભરત પર તો તેને વિશેષ પ્રેમ છે...તને પૂછ્યા વિના બધું કર્યું છે એથી જો તું દુ:ખી હોય તો હવે ખુશ થા. હવે તો તારી ઈચ્છા મુજબ ભરત રાજા બનશે.. પણ આ બીજું વચન સમજ વિનાનું માંગ્યું છે તે... રામથી કોઈ ભૂલ થઇ છે? દુશ્મનને પણ અનુકુળ હોય એવો સ્વભાવ છે રામનો..એ વાત તું પણ જાણે છે... તારો પણ પ્રિય પુત્ર છેને એ? એના કોમળ ચરણ વનના કષ્ટો કેવી રીતે સહન કરશે પ્રિયે?
હવે જલ્દી બીજું કોઈ વિવેકપૂર્ણ વચન માંગી લે જેથી ભરતનો રાજ્યાભિષેક આપણે સૌ આનંદથી માણી શકીએ.. "

કૈકેયીજી-"મને વાતોથી ભરમાવશો નહિ..બંને વચનો સાથે જ પૂર્ણ થવા જોઈએ. જો સવાર થતા રામ વનપ્રયાણ નહિ કરે તો તમારો અપયશ નક્કી છે! "

રાજા દશરથ-
" कहऊ सुभऊ न छलु मन माहीं , जीवनु मोर राम बिनु नाही..

રાણી, મનમાં કોઈ પણ કપટ રાખ્યા વિના કહું છું કે રામ વિના હું જીવી શકીશ નહિ.. ભરતને અન્યાય નથી થવાનો અને રામને વનવાસ જતા હું કોઈ કાળે જોઈ શકીશ નહિ..."અજાણપણે  ભવિષ્યની સત્ય આગમવાણી કરતા રાજા દશરથ બોલ્યા... જે રાજા એ ભૂતકાળમાં અસંખ્ય યુદ્ધો જીત્યા હતા, એ આજે વચન પાસે લાચાર હતા.. આંખમાં આંસુઓ આવવાને લીધે તેમને સામેનું દ્રશ્ય વિચલિત દેખાતું હતું.. ઉભા થતા સાથે જ કશી વસ્તુ સાથે અથડાતા પડતા રહી ગયા..રાણીએ આધાર આપીને પોતાના છત્ર પલંગ પર બેસાડ્યા..અને ફરીથી કહ્યું, "જો આપવાની શક્તિ નહોતી તો પછી કયા આધારે મને વચનો આપ્યા? હવે વચન પૂર્ણ કરો અથવા તો જે ગર્વથી રઘુવંશીની ટેક રાખી છે તે સદા માટે તોડો..."

રાત વધુ ઘનઘોર થઇ.. અર્ધ-જાગૃત એવા રાજા શય્યામાં રડ્યા કરે છે અને ન સંભળાય તેવા સ્વરે વિલાપ કર્યા કરે છે.. એમની અબળા જેવી ચેષ્ઠાઓં થી કંટાળીને રાણી કક્ષમાં આંટા કરે છે અને પોતાનું વચન પૂરી થવાની રાહ જુએ છે.. રાતના પ્રહર સાથે રાજાનો વિલાપ વધતો ચાલ્યો ..
" હે સૂર્ય દેવતા! કાલે ઉદય ના થશો..જો કાલે સવાર પડશે તો ચૌદ વરસ સુધી અયોધ્યામાં અંધારું થશે..."
વારંવાર આર્દ્ર સવારે રાજા અનેક દેવતાઓને વિનંતી કરે છે...

Raja Dashrath Vilaap Video



પરોઢ થયું.. વીણા,વાંસળી અને શંખનાદ રાજદ્વારે ગુંજી ઉઠ્યા.. દીક્ષા લેવી હોય એને શણગાર ગમતા નથી તેવી રીતે આ મંગલગાન રાજાને કઠોર લાગ્યા...
રાજદ્વારે સેવકો, સચિવોની ભીડ લાગી.. બધા એક બીજાને પૂછતાં હતાં." શું રાજાજી હજી ઉઠ્યા નથી? કોઈ ખાસ કારણ તો નથી ને? કોઈ જાઓ અને એમને જગાડો જેથી આજનો શુભ પ્રસંગ શરુ થઇ શકે... "
આખરે રાજાના ખાસ મંત્રી એવા સુમંત્રજી રાજમહેલમાં ગયા...  રાણી કૈકેયીનો મહેલ આજે બિહામણો ભાસી રહ્યો હતો.. તેઓ રાજાને મળવા ગયા પણ ત્યાં જઈને રાજાની દશા જોતા સ્તબ્ધ રહી ગયા...!!

જય સિયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth