જય સિયારામ...
મૂળમાંથી કમળ ઉખડી ગયું હોય તેમ ફિક્કા
ચહેરે રાજાજી પડ્યા હતા.. અત્યંત શોકગ્રસ્ત હતા.
એમને જોઈને સચિવ કશું જ બોલી કે પૂછી ન
શક્યા. તેમને જોઇને જ જાણ થઇ ગઈ કે રાજાજીને કોઈ કારણોસર આખી રાત ઊંઘ પણ નથી આવી.
બસ અર્ધ જાગ્રત અવસ્થામાં “રામ..” “રામ..”
રટતાં જ સવાર પડી છે..
ત્યાં રાણી કૈકેયીજી બોલ્યા,” પહેલા તમે
જલ્દી જઈને રામને બોલાવી લાવો. આમના ક્ષેમ-કુશળ પછી પુછજો.”
રાજાની પણ એ જ આજ્ઞા હશે એવું માની સુમંત્ર
ગયા. અસંખ્ય વિચારોને લીધે તેમની ચાલ ધીમી પડી ગઈ.
તેમનો ઉદાસ ચહેરો જોઈ સૌએ કારણ
પૂછ્યું..પણ બધાને વટાવી તેઓ શ્રીરામ પાસે ગયા. અને રાજાજીની ઈચ્છા કહી.
શ્રીરામજી તરતજ તેમની સાથે ચાલતા થયા. પોતાના
કાર્ય મુજબ દરવાનો પોતાના ભાવિ મહારાજ પર છત્ર ધરી તેમની સાથે ચાલતા થયા. અંગરક્ષકોએ
પણ પ્રભુ પાછળ ચાલવાનું શરુ કર્યું.
અસ્તવ્યસ્ત હાલતમાં રાજકુમારને જતા જોઈ
દરેકના મનમાં તર્ક-વિતર્ક થયા.
રાજા દશરથને જોતા જ શ્રીરામજી અત્યંત વ્યાકુળ
થઇ ગયા. જેમનાથી પોતાના ભક્તોના દુઃખ પણ જોવાતા નથી, એ પ્રભુ પોતાના પિતાની આવી
અવસ્થા જોઈ ખુબ જ દુઃખી થઇ ગયા. પિતાજી મ્લાન વદને સુતા છે ને પાસે માતા કૈકેયી
કવચિત ક્રોધમાં છે..
શ્રીરામચન્દ્રજી અત્યંત મૃદુ છે. તેઓ મધુર
સ્વરે માતાને પૂછે છે, “માતે, પિતાજીને શું થયું છે? તમે સાથે જ હતા ને? તમને
અવશ્ય જાણ હશે. મને પિતાજીના દુઃખનું કારણ કહો જેથી તુરતજ ઉપાય થઇ શકે.”
કૈકેયીજી-“ પુત્રમોહ. આ છે તારા પિતાના
દુઃખનું સાચું કારણ. તારા પિતાને તારા પર અત્યંત પ્રેમભાવ છે. મને તેમણે બે વરદાન
માંગવા આગ્રહ કર્યો. મેં તો જે જોઈતું હતું તે માંગ્યું. પણ તેમનાથી એ જીરવાયું
નહિ. એટલે જ તેઓ આટલા આકુળ થઇ ગયા છે.”
શ્રીરામએ વારંવાર આગ્રહ કરતા કૈકેયીજીએ
બધી વાત બધા જ પ્રસંગો સહીત કહી દીધી.
જે વાત સંભાળતા વેત જ કમાનમાંથી છુટેલા
તીર માફક મનને વીંધી નાખે, એ વાત સાંભળી પ્રભુ મુસ્કરાયા...અને મૃદુલ વાણીમાં બોલ્યા,
“હે માતા! માતાપિતાની આજ્ઞા પાલન કરનાર
પુત્ર ભાગ્યશાળી ગણાય છે. જે વચન પાળી બતાવે તેવા પુત્ર તો દુર્લભ છે. તેમાં પણ
પિતાજીના વચન માટે અને તમારી સંમતિથી વનમાં જવાનું અહોભાગ્ય ક્યાંથી! નાનપણથી તમે
સૌથી વધુ વ્હાલ મારા પર જ વરસાવ્યું છે. હમેશા મારું જ ભલું જ વિચાર્યું છે. ભરત
રાજા બને એથી વધુ ખુશી મને જ થશે. વનમાં જઈને મહા મુનિવરોનું મિલન સર્વ રીતે
કલ્યાણકારી જ છે. પરંતુ હજુ પિતાશ્રી કેમ મારી સાથે બોલતા નથી? જરૂર મારાથી કોઈ
મોટો અપરાધ થયો છે.”
શ્રીરામના હૃદયની વાત સમજેલા રાણી
કૈકેયીજીએ કહ્યું,” તારો કશો જ અપરાધ નથી પુત્ર..તું તો બધાને જ સુખદાતા છે..
માતાપિતાના વચનો પાળવા તત્પર છે. તારા પિતાએ તારો ગૌરવ કરવો જોઈએ. તું તેમને સમજાવ
જેથી ઘડપણમાં તેમના પર કલંક ન લાગે.”
શ્રીરામને તેમનું કહેવું ઉચિત લાગ્યું,
ત્યારે જ રાજાજી જાગ્યા અને રામનું સ્મરણ
કરી પડખું ફેરવ્યું. સમયસુચકતા વાપરી સુમંત્રએ રાજાજીએ શ્રીરામના આગમનની તેમને જાણ
કરી.
રામનું નામ સાંભળતા તેમણે હળવેથી આંખો
ખોલી. સુમંત્રએ તેમને ટેકો આપી બેસાડ્યા. રાજકુમાર પિતા પાસે ગયા. તેમના કમળ સમાન
મુખને જોઇને રાજાની આંખોમાં ફરી ચોમાસું છવાયું. તેઓએ પુત્રને ગળે લગાવ્યો અને
મનમાં જ પોતાના આરાધ્ય મહાદેવને વિનંતી કરી કે ,” રામ તો બધું જ માની જશે. પણ ગમે
તેમ કરી તે મારા વચનનો ભંગ કરે, સ્નેહનો ત્યાગ કરીને ઘરે જ રહે. આપનો દીનભક્ત જાણી
મારું દુઃખ નષ્ટ કરો. ભલે મારો યશ નષ્ટ થાય. ચાહે સ્વર્ગ હાથમાંથી જતું રહે, ચાહે અસહ્ય
દુઃખ મળે પણ રામ મારી આંખોની સામેથી દુર ન થવો જોઈએ..”
પિતાજી ગળે લગાડીને રડ્યે જાય છે અને માતા
પણ કશું બોલતા નથી. તેથી પ્રભુએ જ વિનંતી કરી કે, ” તાત! હું કંઇક કહેવા માંગું
છું. મને શા માટે આ બધી વાતની જાણ પહેલા કરી નહિ? તમને આવી સ્થિતિમાં જોઈ મેં
માતાને પૂછ્યું. તેમને જણાવ્યું પછી જ મને શાંતિ થઇ છે. આટલી નાની અમસ્તી વાત માટે
તમને આટલું દુઃખ થયું? મને તો આમાં દુખી થવા જેવું કશું લાગતું નથી.”
“પિતાશ્રી! આટલા શુભ પ્રસંગે શોક શાનો?
મને હર્ષભેર આજ્ઞા આપો. વચનપાલન કરી હું જલ્દી જ પાછો આવી જઈશ. હું માતાજીની વિદાય
લઇ આવું. તમને પગે લાગીને જ જઈશ.” આવું કહેતા શ્રીરામ ઉઠ્યા અને પોતાના મહેલમાં જવા
નીકળ્યા. શોકવશ રાજા કશું જ બોલી ના શક્યા. કેવળ આંસુનો પ્રવાહ વધતો ચાલ્યો.
કક્ષની બહાર નીકળતા દરવાનોએ ફરી છત્ર
રાજકુમાર પર ધર્યું. પ્રભુએ સ્મિત સાથે કહ્યું,”હવે આની કશી જરૂર નથી.” દરવાનો
સુચન મુજબ ત્યાં જ ઉભા રહ્યા.
અંગરક્ષકો પણ પ્રભુ પાછળ ચાલતા થયા.
રાજકુમાર પાછળ ફર્યા અને હાથ જોડી કહ્યું,” મિત્રો!, હવે આપની પણ કોઈ આવશ્યકતા
નથી! ”
વનમાં જેમ દાવાનળ ફેલાય છે, તેવી રીતે જ આ
અશુભ સમાચાર જોતજોતામાં નગરમાં વ્યાપી ગયા..
જય સિયારામ...
No comments:
Post a Comment