હવે સમજાવવાનો વારો શ્રીરામનો હતો.
પોતે જો અનેકો દુ:ખ ભોગવવાના આવે તો, કોઇ પણ દ્રઢ મનોબળથી એને સહન કરી શકે છે.
પરંતુ જો એ જ દુ:ખ પોતાનું પ્રિયપાત્ર ભોગવતું હોય તો એને સહન કરવું અનેક ગણું મુશ્કેલ બની જાય છે.
અને આ આવી પડેલી પરિસ્થિતી તો પોતાને માટે હતી. નહી કે વૈદેહી માટે.
આ બધા જ વિચારો તેમને પત્નીનું આનન જોતાવેંત આવી ગયા.
તેઓ એ કહ્યુ, " રાજકુમારી, મારી વાત સાંભળો.
આપ જો ખરેખર મને આનંદમાં જોવા ઇચ્છતા હો,તો હઠ ના કરશો. તમે અહીં જ રહેશો.
માતાને જ્યારે જ્યારે મારી યાદ આવશે, ત્યારે તમને જોઇને એ એમનું મન મનાવી શકશે.
અને મને પણ વનમાં નિશ્ચિંતતા રહેશે કે તમે બન્ને મારી અનુપસ્થિતીમાં એક-બીજા સાથે છો.
સાથે આવવાની મને આવશ્યક્તા પણ લાગતી નથી.
વનવાસ કરીને પાછું અહીં જ આવવાનું છે.
હું માનુ છું કે તમે વનથી પરિચિત હશો.
પણ સીતે, ત્યાં સતત રહેવાનો અભ્યાસ તમને નથી. માત્ર પ્રેમવશ થઈને વિચારવું યોગ્ય નથી. કંદમૂળ કે ફળ ખાઇને રહેવાનો અભ્યાસ મેં કરેલો છે. અને એ પણ રોજે મળે જ એવું જરુરી તો નથી.
બધુ ઋતુ અનુકૂળ મળે. અને આપણે પણ આપણી જાત પ્રકૃતિને સમર્પિત કરી દેવી પડે."
-આવા અનેક કારણો રઘુનંદનએ સીતાજીને આપ્યાં.
આ વખતે પણ તેઓ ચુપ રહ્યા. પરંતુ તેમની આંખો પાણીને સાચવી ના શકી.
બહુ પ્રયત્નો કરવા છતાં પણ બે-ત્રણ આંસુ તો સરી જ પડ્યા.
તેમણે કૌશલ્યાજીને હાથ જોડી કહયું, "માતા, હું જે કહુ છું તે અવિવેક ના ગણશો.
એવુ નથી કે મને તમારી શિખામણ અયોગ્ય લાગે છે. હું જાણું છું કે તમે અને રાઘવ જે કહો છો, એ મારા માટેનો અપ્રતિમ પ્રેમ માત્ર છે.
પરંતુ આ બધા કારણોથી અધિક દુ:ખ દાયક મને વિયોગ થઈ પડશે.
તેઓ અહીં નહીં હોય તો શું મને એમનું સ્મરણ નહીં થાય ? એમણે ખાધું હશે કે નહીં એ વિચારે મારું મન પણ ચલિત રહેશે. અને આ બધું હું એકલી સહન કરીશ એવુ તો નથી. વિયોગ તો એમને પણ સાલવાનો.
ભલે અહિ હર ક્ષણ દાસ- દાસીઓ સેવામાં હોય, વનમાં એમને પણ સતત મારા ને તમારા વિચારો આવશે.
ત્યાં મુશ્કેલી પડશે, પણ બન્ને સાથે એ ઝીલી શકીશું."
પછી સ્વામી સામે જોઇને બોલ્યાં, "આથી વિશેષ હું શુ કહું ! તમે બધું જ જાણો છો. મારાથી પ્રોષિતભર્તુકા નહિ થવાય. ચૌદ વરસ સુધી હું જીવિત નહી રહી શકુ.
તમે સાથે હો તો પછી મને વનનો ભય રહેશે જ નહિ.
અને જો તમે એમ કહેવા માંગતા હો કે રાજમહેલોમાં રહેલાઓ ને આ કષ્ટદાયક છે તો પછી તમે પણ વનમાં જવા યોગ્ય ન કહેવાઓ. મને "વિયોગ" શબ્દ જ વિષાદકારી લાગે છે. "
શ્રીરામે માતા સામે જોયું. માતાની આંખોમાં પણ સીતાજીની છવિ યાચના કરતી હતી.
તેમનો હકાર પારખી સીતાજીએ આંસુ લુછી નાખ્યાં.
શ્રીરામની સમજાવવાની પ્રકિયા સિયા સુધી સિમિત નહોતી.
આવતી થોડીક ક્ષણોમાં તેમણે સૌમિત્રને પણ સમજાવવા પડશે એવું વિધાતા લખી ચુક્યા હતા.
No comments:
Post a Comment