Wednesday, June 22, 2016

Goodbyes...

Due to some Personal reasons, I have to close this blog.

However, Old posts will be available for reading and the same are listed at blog archives.
One more thing I want to say- I am thankful to all visitors who, in a way, became my confidence to write my first spiritual blog . Thank you.

Its always difficult to leave something all of a sudden when you love that thing. so is my condition.
However, My journey with this blog and you does not end here. I'll come with a new start before fully closing this one.

Jay Siyaram..


( Ramji Mandir , Lambe Hanuman Temple , Girnar Taleti, Junagadh.) 

Sunday, May 1, 2016

સીતાજી ની હઠ

 હવે સમજાવવાનો વારો શ્રીરામનો હતો.
પોતે જો અનેકો દુ:ખ ભોગવવાના આવે તો, કોઇ પણ દ્રઢ મનોબળથી એને સહન કરી શકે છે.
પરંતુ જો એ જ દુ:ખ પોતાનું પ્રિયપાત્ર ભોગવતું હોય તો એને સહન કરવું અનેક ગણું મુશ્કેલ બની જાય છે.
અને આ આવી પડેલી પરિસ્થિતી તો પોતાને માટે હતી. નહી કે વૈદેહી માટે.
આ બધા જ વિચારો તેમને પત્નીનું આનન જોતાવેંત આવી ગયા.
તેઓ એ કહ્યુ, " રાજકુમારી, મારી વાત સાંભળો. 
આપ જો ખરેખર મને આનંદમાં જોવા ઇચ્છતા હો,તો હઠ ના કરશો. તમે અહીં જ રહેશો. 
માતાને જ્યારે જ્યારે મારી યાદ આવશે, ત્યારે તમને જોઇને એ એમનું મન મનાવી શકશે. 
અને મને પણ વનમાં નિશ્ચિંતતા રહેશે કે તમે બન્ને મારી અનુપસ્થિતીમાં એક-બીજા સાથે છો.
સાથે આવવાની મને આવશ્યક્તા પણ લાગતી નથી. 
વનવાસ કરીને પાછું અહીં જ આવવાનું છે.
હું માનુ છું કે તમે વનથી પરિચિત હશો. 
પણ સીતે, ત્યાં સતત રહેવાનો અભ્યાસ તમને નથી. માત્ર પ્રેમવશ થઈને વિચારવું યોગ્ય નથી. કંદમૂળ કે ફળ ખાઇને રહેવાનો અભ્યાસ મેં કરેલો છે. અને એ પણ રોજે મળે જ એવું જરુરી તો નથી.
બધુ ઋતુ અનુકૂળ મળે. અને આપણે પણ આપણી જાત પ્રકૃતિને સમર્પિત કરી દેવી પડે."
-આવા અનેક કારણો રઘુનંદનએ સીતાજીને આપ્યાં.
આ વખતે પણ તેઓ ચુપ રહ્યા. પરંતુ તેમની આંખો પાણીને સાચવી ના શકી.
બહુ પ્રયત્નો કરવા છતાં પણ બે-ત્રણ આંસુ તો સરી જ પડ્યા.

તેમણે કૌશલ્યાજીને હાથ જોડી કહયું, "માતા, હું જે કહુ છું તે અવિવેક ના ગણશો. 
એવુ નથી કે મને તમારી શિખામણ અયોગ્ય લાગે છે. હું જાણું છું કે તમે અને રાઘવ જે કહો છો, એ મારા માટેનો અપ્રતિમ પ્રેમ માત્ર છે. પરંતુ આ બધા કારણોથી અધિક દુ:ખ દાયક મને વિયોગ થઈ પડશે.
તેઓ અહીં નહીં હોય તો શું મને એમનું સ્મરણ નહીં થાય ?  એમણે ખાધું હશે કે નહીં એ વિચારે મારું મન પણ ચલિત રહેશે. અને આ બધું હું એકલી સહન કરીશ એવુ તો નથી. વિયોગ તો એમને પણ સાલવાનો.
ભલે અહિ હર ક્ષણ દાસ- દાસીઓ સેવામાં હોય, વનમાં એમને પણ સતત મારા ને તમારા વિચારો આવશે.
ત્યાં મુશ્કેલી પડશે, પણ બન્ને સાથે એ ઝીલી શકીશું."
પછી સ્વામી સામે જોઇને બોલ્યાં, "આથી વિશેષ હું શુ કહું ! તમે બધું જ જાણો છો. મારાથી પ્રોષિતભર્તુકા નહિ થવાય. ચૌદ વરસ સુધી હું જીવિત નહી રહી શકુ. 
તમે સાથે હો તો પછી મને વનનો ભય રહેશે જ નહિ.
અને જો તમે એમ કહેવા માંગતા હો કે રાજમહેલોમાં રહેલાઓ ને આ કષ્ટદાયક છે તો પછી તમે પણ વનમાં જવા યોગ્ય ન કહેવાઓ. મને "વિયોગ"  શબ્દ જ વિષાદકારી લાગે છે. "

શ્રીરામે માતા સામે જોયું. માતાની આંખોમાં પણ સીતાજીની છવિ યાચના કરતી હતી. 
તેમનો હકાર પારખી સીતાજીએ આંસુ લુછી નાખ્યાં. 
શ્રીરામની સમજાવવાની પ્રકિયા સિયા સુધી સિમિત નહોતી. 
આવતી થોડીક ક્ષણોમાં તેમણે સૌમિત્રને પણ સમજાવવા પડશે એવું વિધાતા લખી ચુક્યા હતા. 


Sunday, March 27, 2016

કૌશલ્યાજી નો પ્રતિભાવ

થોડીવાર તો માતા કશું બોલી ના શક્યા પરંતુ પછી તેમને પોતાનો ધર્મ યાદ આવ્યો.
તેમની માટે તો ચારે પુત્રો એક સમાન જ છે.
ચાર માંથી ગમે તે પુત્ર ગાદીએ બેસે, માતા માટે સૌ એક સરખા.
હવે શાંત ચિત્તે માતા બોલ્યા, " પુત્ર ! તે યોગ્ય જ કર્યું છે. પિતાનું વચન પાલન સૌથી મહત્વનું ગણ્યું છે એ ઠીક જ છે. રાજ્ય મળવાને બદલે ભલે વન  મળ્યું, પરંતુ તારા વિના તારા પિતા, ભરત અને પ્રજાને ખુબ જ દુઃખ અનુભવાશે.
વળી, જો આ માત્ર તારા પિતાની આજ્ઞા હોત તો તારી સૌથી મોટી મા તરીકે તને રોકી શકાત. પણ આ તારા માતા-પિતા બંનેની આજ્ઞા છે. અને તારા માટે કોઈ પણ એક માતાની આજ્ઞા અમારી ત્રણે માતાની આજ્ઞા બરાબર છે.
એક રાજાએ વનવાસ પણ કરવાનો હોય જ છે. પરંતુ તારી હજી એ ઉંમર નથી એટલે મન આ સ્વીકારી શકતું નથી. મારા પત્નીધર્મને લીધે તને એમ પણ ના કહી શકું કે "પુત્ર, મને પણ તારી સંગાથે લઇ જા."
બધા દેવો અને પિતૃઓ આંખની કીકીની જેમ તારી રક્ષા કરશે. સુખેથી ગમન કરો. વનશ્રી તારી માતા થશે - વનદેવતા તારા પિતા. "
આટલું બોલી માતા પુત્રને વળગી પડ્યા. શ્રી રામે તેમને મૃદુ વાણીમાં સમજાવીને શાંત પાડ્યા.

આ જ સમયે સીતાજીને પણ સમાચારની જાણ થઇ. તેઓ તરત જ સાસુ પાસે દોડી આવ્યા અને તેમને નમન કરી નજીક બેસી ગયા.

दीन्ही असीस सासु मृदु बानी, अति सुकुमारी देखि अकुलानी |

સાસુએ તેમની સામે જોયું. અત્યંત સુકુમાર છે સીતાજી. વિધાતાને તેમની આ પુત્રીની દયા નહિ આવી હોય!
સીતાજીના મનમાં પણ વિચારોનું યુદ્ધ ચાલે છે. આવી રીતે જ શું સાથ છૂટી જશે !
 વિરહ કઈ રીતે સહન થશે! પોતે પતિ સાથે નહિ જાય તો અહી આ જ મહેલમાં એમના પ્રાણ નીકળી જશે! પરંતુ, સ્વામીને મનાવવા કઈ રીતે! 
આવું વિચારતા જયારે અજાણપણે તેઓ જમીન ખોતરવા લાગ્યા, ત્યારે તેમના નુપૂર દીન અવાજ કરે છે. જાણે કહી રહ્યા છે, - 'હે મૈથિલી ! અમારો ત્યાગ ના કરશો. ' 
સીતાજીની આંખે પણ અશ્રુધારા વહી રહી.
તેઓ શું વિચારતા હશે એનો અંદાજ શ્રીરામને આવ્યો ના હોય એવું બની શકે ખરા ?!
માતા કૌશલ્યાએ પણ સીતાજીની એ પ્રશ્નસૂચક આંખો વાંચી લીધી. 
આખરે સીતાજીએ પોતાની ઈચ્છા જાહેર કરી દીધી.

ત્યારે કૌશલ્યાજી બોલ્યા, " રૂપવાન, ગુણીયલ પુત્રવધુ મેં મેળવી છે. કલ્પવેલીની  જેમ લાલન પાલન કર્યું છે. સદાયે વહાલ આપ્યું છે. આટલી કોમળ બાળા પર વિધાતા પ્રતિકુળ કઈ રીતે થયા હશે ! સીતાએ અમારો ખોળો , હિચકો, પલંગ કે બાજઠ છોડી કઠણ જમીન પર પણ પગ મુક્યો નથી, દીવાની દિવેટ સંકોરવા જેવું કામ પણ એને સોપાયું નથી. 
પુત્રી, વનમાં નિશાચરો, હિંસક પ્રાણીઓ, દુષ્ટ જીવ-જંતુઓ હોય. ત્યાં તને કષ્ટ સહન કરવા મોકલવી એ યોગ્ય નથી. હા, ત્યાં કન્યાઓ  હોય છે. ભીલ, કીરાતોની કિશોરીઓ હોય છે. પણ તેઓ પ્રકૃતિમાં રહી ચુકેલી હોય છે. પથ્થરના કીડા સમાન તે કઠણ હોય છે. તેમને વન અનુકુળ હોય. નહિ કે તને. માટે આ જીદ છોડી દે પુત્રી ! "

જયારે સીતાજી ન માન્યા ત્યારે કૌશલ્યાજીએ  અનેક પ્રકારે તેમને વનની હકીકતો જણાવી. અગોચર વિશ્વો, માયાવી રાક્ષસોનો ચિતાર આપ્યો. સીતાજી ત્યાં કોઈ પણ રીતે આરામથી રહી શકે તેમ નહિ હોય એ સમજાવ્યું. 

સીતાજી નતમસ્તક સાંભળી રહ્યા. માતાએ કરેલી વનની ભયાનકતાનું વર્ણન સાંભળ્યું પરંતુ તેમના મુખ પર આવેલી દ્રઢ નિર્ણયની રેખા એકવાર પણ ચલિત થઇ નહિ. 

Sunday, January 31, 2016

શોકગ્રસ્ત અયોધ્યા..continue..

જય સિયારામ..

પોતાના પુત્રને સર્વ લોકો ચાહતા હોય, એને શિરોમણી બનાવવા ઉત્સુક હોય ત્યારે
કઈ માતા ખુશી ન અનુભવે ? !
કૌશલ્યાજી પણ આ આનંદની વર્ષામાં ભીંજાતા હતા. પુત્ર- પુત્રવધુને , નગરને , પરિવાર ને કંઈ કેટલીયે કલ્પનાઓમાં નિહાળતા બેઠા હતા ત્યાં પોતાના ચરણોને પુષ્પનો સ્પર્શ થયો.
જોયું તો- શ્રીરામ નીચે નમી તેમને વંદન કરતા હતા.
તરત જ માતાજીએ તેમને આશીર્વાદ આપી ઉભા કર્યા.
તેમના નયનોમાંથી આનંદના અતીરેક સમી સરવાણીઓ વહી આવી.
અને પુત્રને તેમને ગળે લગાડ્યા.
બોલ્યા- " આજે મારા આનંદની ચરમસીમા છે. બ્રાહ્મણોએ મુહુર્ત જોયું હશે. ક્યારે એ શુભ ઘડી છે પુત્ર? "

શ્રીરામ કંઇક વિચારતા તેમની સામે જોઈ રહ્યા. આટલા આનંદની ઘડીમાં માતાને ક્યા શબ્દોથી પરિસ્થિતિ સમજાવશે ! જેમ તરસ્યા ચાતક- ચાતકી આતુરતાથી શરદ ઋતુના સ્વાતી નક્ષત્રની રાહ જુએ છે, તેવી જ આતુરતા તેમને માતાની આંખોમાં જણાઈ.
માતાજી ફરી બોલ્યા- " અરે ! મેં પણ વિચાર્યું નહિ. તે સવારથી કશું ખાધું નહિ હોય. થોડું જમીને તારા પિતાજી પાસે જા. મોડું થઇ ગયું છે. "

હવે શ્રીરામ માતાને આઘાત ન લાગે તે રીતે સસ્મિત બોલ્યા - " માતા ! મને જે રાજ્ય મળ્યું છે તેની તુલનામાં  આ રાજ્ય તો બહુ નાનું ગણાય. સર્વ પ્રકારે ઉપયોગી અને હિતકારી એવું વનશ્રીનું રાજ્ય પિતાશ્રી પાસેથી મેળવ્યું છે. માતા ! મને પ્રસન્ન ભાવે આજ્ઞા આપો. જેથી મારો વનવાસ મંગલદાયી બની રહે. મનમાં ઓછું આણશો નહિ. અને મારી ચિંતા તો બિલકુલ કરશો જ નહિ. મને ગમતું જ થયું છે. અને ચૌદ વર્ષ તો ક્યાં નીકળી જશે - ખબર પણ નહિ પડે ! પિતાજીનું વચન પાલન કરીને તરત જ આપના ચરણોના દર્શન કરવા આવી પહોચીશ. "

શ્રીરામના લતા-સુકોમલ વચનો પણ સાંભળતા વેત માતાને બાણ સમાન લાગ્યા. શ્રીરામના વચને- વચને માતાનો ચહેરો ફિક્કો પડતો ગયો. આઘાતને લીધે તેમનું હૃદય કોઈ પ્રતિભાવ આપવા સક્ષમ ન રહ્યું. તેઓ સજલ નેત્રે ધ્રુજી ઉઠ્યા. પુત્રનું સ્મિત વદન જોઈ તેમનાથી એટલું જ કહેવાયું -
" પિતાશ્રીને તું પ્રાણ પ્રિય છે. આ રાજ્યાભિષેક પણ તેમની જ ઈચ્છા અનુસાર ગોઠવાયો છે. જયારે એ ઘડી આટલી નિકટ છે, ત્યારે એવું તે શું થઈ ગયું કે-- મને વિગતસર બધું કહે.  "

એટલામાં દ્વાર પાસે ઉભેલા સચીવપુત્ર આવ્યા અને અત થી ઇતિ સુધી બધું માતાને જણાવ્યું.
બધું જાણ્યા બાદ માતા તો સ્તબ્ધ ! ના પુત્રને રોકી શકે, ના તેમને " જાઓ " કહી શકે !
વિધિની ગતિ વક્ર ! - એમ અમસ્તું જ થોડું કહેવાયું છે !

જય સિયારામ..

Sunday, October 19, 2014

શોકગ્રસ્ત અયોધ્યા..

જય સિયારામ..

પોતાના પ્રિય કુંવરને અયોધ્યા છોડવાની આજ્ઞા મળી છે, એવું સાંભળતા કોઈના હૈયે ધીરજ રહી નહિ..
બધા જ લોકો કૈકેયીજી પર કુપિત થવા લાગ્યા કે આ શુભ અવસરે રાણીને શું સુજ્યું છે? જેને રામ એ પ્રાણ સમાન હતા એના મનમાં આવા આચરણનો વિચાર કઈ રીતે આવ્યો?
કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રીના મન ને સમજવું મુશ્કેલ છે..

કોઈ વળી કહે છે: રાજાજી એ આવા દુષ્ટ બુદ્ધિ ધરાવનારને વગર વિચાર્યે વરદાન આપી દીધું ?!
કોઈ સમજદાર બોલનારાઓને સમજાવે છે કે આ બધાને ધર્મની મર્યાદા સમજી આપણે રાજાને દોષ ન અપાય..
કોઈએ એથી આગળ વધી કહ્યું: આ બધું ભરતની સંમતિથી જ બન્યુ છે..
તો એની સામે બેઠેલી વ્યક્તિ કાન આડે હાથ રાખી કહે: અરે! આ ખોટું છે! શ્રીરામ તો ભરતને પ્રાણથી પણ વધુ પ્યારા છે..ભલે ગમે તે થાય પણ રામજીને અનુકુળ ન હોય એવું કામ ભરતજી ક્યારેય ન કરે!

 કોઈ વળી આ બધી વાતો ઉદાસ ભાવે સાંભળે છે..

આવી રીતે હર કોઈ નિજ સમજણથી, સંસ્કારોથી અને દ્રષ્ટિકોણથી પરિસ્થતિનો ક્યાસ કાઢે છે..

કુળની સ્ત્રીઓ, સન્નારીઓ અને કૈકેયીજીની પરમ સખીઓ સાથે મળી કૈકેયીજીને સમજાવવા પ્રયત્નો કરે છે.. અત્યારે તો રાણી કૈકેયીને તેમના વચનો બાણ સમાન ભાસે છે..
સ્ત્રીઓ કહે છે:

" भरतु न मोहि प्रिय राम समाना , सदा कहहु यहु सबु जगु जाना |
  करहु  राम  पर  सहज सनेहु  ,  केहि  अपराध  आजु  बनु  देहु  ||
   कबहुँ   न  कियहु  सवति   आरेसू  ,प्रीति  प्रतीति जान सबु देसु |
      कोस्ल्याँ  अब काह  बिगारा , तुम्ह  जेहि लागी  बज्र पुर  पारा ||  "

"તું હંમેશા એવું કહેતી કે મને રામ ભરતથી પણ અધિક પ્રિય છે..આ વાત આખું જગ જાણે છે..  રામ પર તને સહજ સ્નેહ છે..તો ક્યાં અપરાધને લીધે તેને અત્યારે વનવાસ મળી રહ્યો છે? તે ક્યારેય શોક્ય જેવો ભેદભાવ રાખ્યો નથી, તમારી ત્રણ રાણીઓની એકબીજા પ્રત્યેની લાગણીની સૌને જાણ છે..તો હવે કૌશલ્યાએ તારું શું બગાડ્યુ છે કે તે એના પર અને નગર પર આવો વજ્ર સમાન ઘા કર્યો? "

"તું જ વિચાર કે સીતા પતિનો સંગાથ છોડી અહી રહેશે? ! લક્ષ્મણ રામ વિના અહી રહી શકશે? અરે શું ભરત ખુદ આવું રામ વિનાનું રાજ્ય ભોગવશે? અને દશરથજીનું તો વિચાર કે એ રામ વિના જીવી શકશે ખરા? !
ક્રોધ ત્યજી દે. ભરતને યુવરાજપદ આપ પણ રામને વનવાસ? એ તો સંત છે.. એને રાજ્યની લાલસા નથી.. તું રાજાજી પાસે બીજા વરદાનમાં એવું માંગ કે :રામ મહેલ ત્યજી વનવાસને બદલે ગુરુજીના આશ્રમમાં વાસ કરે.. અમારી વાત માન.નહી તો બધું જ હાથમાંથી જશે.. આ જો મશ્કરી હોય તો ખુલ્લા હૃદયે જણાવી દે.. રામ જેવો પુત્ર વનવાસને યોગ્ય નથી. હવે એવું કર કે આ શોક અને કલંક નષ્ટ થાય. તું મનમાં સમજી જા કે રામ વિના અહી ખાલી ખંડેરો રહેશે! "

સહેલીઓએ સારી શિખામણ આપી , કેટલીયે રીતે સમજાવ્યું પણ મંથરાની રાણી કૈકેયીએ કશું જ કાને ધર્યું નહી,. ક્રોધથી રુક્ષ બનીને તે સમજાવનારાઓને જોઈ રહ્યા,, આખરે બધી સ્ત્રીઓ મનોમન તેને મંદમતિ સમજી ચાલતી થઇ..

આ બાજુ પ્રભુ પોતાના માતા પાસે ગયા. જોયું તો તેઓ પ્રસન્ન હતા. હવે પિતાજીને માતાજી સંભાળી લેશે એવું રામજીને લાગ્યું,, રાજ્ય એટલે તો જાણે હાથીને મન સાંકળ.. રાજ્યરૂપી બંધનમાંથી છૂટવા મળશે એવું થતા જ તેમને અંતરનો આનંદ થયો. 

આખા નગરને જે વાતથી ક્રોધ આવતો હતો એ વાત હજી સુધી કૌશલ્યાજી સુધી પહોચી જ ન હતી!

જય સિયારામ..



Thursday, April 24, 2014

વનવાસ આજ્ઞા....


જય સિયારામ...

મૂળમાંથી કમળ ઉખડી ગયું હોય તેમ ફિક્કા ચહેરે રાજાજી પડ્યા હતા.. અત્યંત શોકગ્રસ્ત હતા.
એમને જોઈને સચિવ કશું જ બોલી કે પૂછી ન શક્યા. તેમને જોઇને જ જાણ થઇ ગઈ કે રાજાજીને કોઈ કારણોસર આખી રાત ઊંઘ પણ નથી આવી.
બસ અર્ધ જાગ્રત અવસ્થામાં “રામ..” “રામ..” રટતાં જ સવાર પડી છે..
ત્યાં રાણી કૈકેયીજી બોલ્યા,” પહેલા તમે જલ્દી જઈને રામને બોલાવી લાવો. આમના ક્ષેમ-કુશળ પછી પુછજો.”
રાજાની પણ એ જ આજ્ઞા હશે એવું માની સુમંત્ર ગયા. અસંખ્ય વિચારોને લીધે તેમની ચાલ ધીમી પડી ગઈ.
તેમનો ઉદાસ ચહેરો જોઈ સૌએ કારણ પૂછ્યું..પણ બધાને વટાવી તેઓ શ્રીરામ પાસે ગયા. અને રાજાજીની ઈચ્છા કહી.
શ્રીરામજી તરતજ તેમની સાથે ચાલતા થયા. પોતાના કાર્ય મુજબ દરવાનો પોતાના ભાવિ મહારાજ પર છત્ર ધરી તેમની સાથે ચાલતા થયા. અંગરક્ષકોએ પણ પ્રભુ પાછળ ચાલવાનું શરુ કર્યું.
અસ્તવ્યસ્ત હાલતમાં રાજકુમારને જતા જોઈ દરેકના મનમાં તર્ક-વિતર્ક થયા.

રાજા દશરથને જોતા જ શ્રીરામજી અત્યંત વ્યાકુળ થઇ ગયા. જેમનાથી પોતાના ભક્તોના દુઃખ પણ જોવાતા નથી, એ પ્રભુ પોતાના પિતાની આવી અવસ્થા જોઈ ખુબ જ દુઃખી થઇ ગયા. પિતાજી મ્લાન વદને સુતા છે ને પાસે માતા કૈકેયી કવચિત ક્રોધમાં છે..
શ્રીરામચન્દ્રજી અત્યંત મૃદુ છે. તેઓ મધુર સ્વરે માતાને પૂછે છે, “માતે, પિતાજીને શું થયું છે? તમે સાથે જ હતા ને? તમને અવશ્ય જાણ હશે. મને પિતાજીના દુઃખનું કારણ કહો જેથી તુરતજ ઉપાય થઇ શકે.”
કૈકેયીજી-“ પુત્રમોહ. આ છે તારા પિતાના દુઃખનું સાચું કારણ. તારા પિતાને તારા પર અત્યંત પ્રેમભાવ છે. મને તેમણે બે વરદાન માંગવા આગ્રહ કર્યો. મેં તો જે જોઈતું હતું તે માંગ્યું. પણ તેમનાથી એ જીરવાયું નહિ. એટલે જ તેઓ આટલા આકુળ થઇ ગયા છે.”
શ્રીરામએ વારંવાર આગ્રહ કરતા કૈકેયીજીએ બધી વાત બધા જ પ્રસંગો સહીત કહી દીધી.
જે વાત સંભાળતા વેત જ કમાનમાંથી છુટેલા તીર માફક મનને વીંધી નાખે, એ વાત સાંભળી પ્રભુ મુસ્કરાયા...અને મૃદુલ વાણીમાં બોલ્યા,
“હે માતા! માતાપિતાની આજ્ઞા પાલન કરનાર પુત્ર ભાગ્યશાળી ગણાય છે. જે વચન પાળી બતાવે તેવા પુત્ર તો દુર્લભ છે. તેમાં પણ પિતાજીના વચન માટે અને તમારી સંમતિથી વનમાં જવાનું અહોભાગ્ય ક્યાંથી! નાનપણથી તમે સૌથી વધુ વ્હાલ મારા પર જ વરસાવ્યું છે. હમેશા મારું જ ભલું જ વિચાર્યું છે. ભરત રાજા બને એથી વધુ ખુશી મને જ થશે. વનમાં જઈને મહા મુનિવરોનું મિલન સર્વ રીતે કલ્યાણકારી જ છે. પરંતુ હજુ પિતાશ્રી કેમ મારી સાથે બોલતા નથી? જરૂર મારાથી કોઈ મોટો અપરાધ થયો છે.”

શ્રીરામના હૃદયની વાત સમજેલા રાણી કૈકેયીજીએ કહ્યું,” તારો કશો જ અપરાધ નથી પુત્ર..તું તો બધાને જ સુખદાતા છે.. માતાપિતાના વચનો પાળવા તત્પર છે. તારા પિતાએ તારો ગૌરવ કરવો જોઈએ. તું તેમને સમજાવ જેથી ઘડપણમાં તેમના પર કલંક ન લાગે.”
શ્રીરામને તેમનું કહેવું ઉચિત લાગ્યું,
ત્યારે જ રાજાજી જાગ્યા અને રામનું સ્મરણ કરી પડખું ફેરવ્યું. સમયસુચકતા વાપરી સુમંત્રએ રાજાજીએ શ્રીરામના આગમનની તેમને જાણ કરી.

રામનું નામ સાંભળતા તેમણે હળવેથી આંખો ખોલી. સુમંત્રએ તેમને ટેકો આપી બેસાડ્યા. રાજકુમાર પિતા પાસે ગયા. તેમના કમળ સમાન મુખને જોઇને રાજાની આંખોમાં ફરી ચોમાસું છવાયું. તેઓએ પુત્રને ગળે લગાવ્યો અને મનમાં જ પોતાના આરાધ્ય મહાદેવને વિનંતી કરી કે ,” રામ તો બધું જ માની જશે. પણ ગમે તેમ કરી તે મારા વચનનો ભંગ કરે, સ્નેહનો ત્યાગ કરીને ઘરે જ રહે. આપનો દીનભક્ત જાણી મારું દુઃખ નષ્ટ કરો. ભલે મારો યશ નષ્ટ થાય. ચાહે સ્વર્ગ હાથમાંથી જતું રહે, ચાહે અસહ્ય દુઃખ મળે પણ રામ મારી આંખોની સામેથી દુર ન થવો જોઈએ..”

પિતાજી ગળે લગાડીને રડ્યે જાય છે અને માતા પણ કશું બોલતા નથી. તેથી પ્રભુએ જ વિનંતી કરી કે, ” તાત! હું કંઇક કહેવા માંગું છું. મને શા માટે આ બધી વાતની જાણ પહેલા કરી નહિ? તમને આવી સ્થિતિમાં જોઈ મેં માતાને પૂછ્યું. તેમને જણાવ્યું પછી જ મને શાંતિ થઇ છે. આટલી નાની અમસ્તી વાત માટે તમને આટલું દુઃખ થયું? મને તો આમાં દુખી થવા જેવું કશું લાગતું નથી.”
“પિતાશ્રી! આટલા શુભ પ્રસંગે શોક શાનો? મને હર્ષભેર આજ્ઞા આપો. વચનપાલન કરી હું જલ્દી જ પાછો આવી જઈશ. હું માતાજીની વિદાય લઇ આવું. તમને પગે લાગીને જ જઈશ.” આવું કહેતા શ્રીરામ ઉઠ્યા અને પોતાના મહેલમાં જવા નીકળ્યા. શોકવશ રાજા કશું જ બોલી ના શક્યા. કેવળ આંસુનો પ્રવાહ વધતો ચાલ્યો.

કક્ષની બહાર નીકળતા દરવાનોએ ફરી છત્ર રાજકુમાર પર ધર્યું. પ્રભુએ સ્મિત સાથે કહ્યું,”હવે આની કશી જરૂર નથી.” દરવાનો સુચન મુજબ ત્યાં જ ઉભા રહ્યા.
અંગરક્ષકો પણ પ્રભુ પાછળ ચાલતા થયા. રાજકુમાર પાછળ ફર્યા અને હાથ જોડી કહ્યું,” મિત્રો!, હવે આપની પણ કોઈ આવશ્યકતા નથી! ”

વનમાં જેમ દાવાનળ ફેલાય છે, તેવી રીતે જ આ અશુભ સમાચાર જોતજોતામાં નગરમાં વ્યાપી ગયા..

જય સિયારામ...

Wednesday, December 11, 2013

રાજા દશરથ વિલાપ

જય સિયારામ..

રાણી કૈકેયી એ જે બે વચનો માંગ્યા, એમાં પહેલું વચન હતું, પોતાના પુત્ર  ભરતનો રાજ્યાભિષેક અને બીજું, શ્રીરામને ચૌદ વરસનો તપસ્વી વેશમાં વનવાસ..

બીજું વચન સાંભળતા જ જાણે રાજા દશરથ પર વીજળી ત્રાટકી.. ભરતનો રાજ્યાભિષેક તેમને માન્ય હોત પણ સાથે રામને વનવાસ? પોતાના સૌથી પ્રિય પુત્રને વનવાસ ! હજી કાલે તેનો રાજ્યાભિષેક છે અને એક રાતમાં શું થઇ ગયું!
ભાનમાં આવતા જ તેમને થયું કે આ બધું જ સ્વપ્ન છે..પણ સામે અકળ મુદ્રામાં ઉભેલી પોતાની રાણીને જોઈ તેમને ભાન થયું કે આ સ્વપ્ન નથી.. તેમણે આજીજી ભર્યા સ્વરે કહ્યું,"કૈકેયી, આ શું માંગી લીધું તમે?
કઈ બીજું માંગો પણ આ વચન પાછું લઈલો..."

રાણી કૈકેયીએ તરત ઉત્તર વાળ્યો,"આપવું હોય તો આ જ આપો..નહિ તો અહીથી જતા રહો અને આજ પછી ફરી કોઈને કહેશો નહિ કે રઘુવંશી પ્રતિજ્ઞા પાળી બતાવે છે કે પ્રાણ જાય પણ વચન ન જાય!!. વચન તો શિબીરાજા, દધીચિ અને બલિરાજાએ પાળી બતાવ્યા છે..પોતાના શરીરની પણ ચિંતા ના કરી..અને તમે તો પુત્રમોહમાં અટવાઓ છો! " મોં મચકોડતા રાણીએ કહ્યું.



રાજા દશરથની સ્થિતિ વિકટ છે. આઘાતને લીધે તેઓ ચાલવા પણ સક્ષમ નથી છતાં કૈકેયીજીને સમજાવવા પ્રયત્ન કરે છે...

मोरे भरत रामु दुई आँखी , सत्य कहूऊँ करी संकरु सांखी|

"કૈકેયી, તમે મારા પ્રેમ અને વિશ્વાસની મજાક કરો છો..ભગવાન શંકરને સાક્ષી માનીને કહું છું કે ભરત અને રામ તો મારી બે આંખ સમાન છે.. આપણા રીવાજો મુજબ જયેષ્ઠ પુત્ર જ રાજા બને છે..છતાં એ રીવાજની અવગણના કરીને હું ભરતને રાજ્ય ખુશીથી આપું છું.. સવાર થતા જ દૂતો ને મોકલીને ભરત અને શત્રુઘ્નને મોસાળેથી બોલાવી લઈશું. રામને રાજ્યનો મોહ નથી. અને ભરત પર તો તેને વિશેષ પ્રેમ છે...તને પૂછ્યા વિના બધું કર્યું છે એથી જો તું દુ:ખી હોય તો હવે ખુશ થા. હવે તો તારી ઈચ્છા મુજબ ભરત રાજા બનશે.. પણ આ બીજું વચન સમજ વિનાનું માંગ્યું છે તે... રામથી કોઈ ભૂલ થઇ છે? દુશ્મનને પણ અનુકુળ હોય એવો સ્વભાવ છે રામનો..એ વાત તું પણ જાણે છે... તારો પણ પ્રિય પુત્ર છેને એ? એના કોમળ ચરણ વનના કષ્ટો કેવી રીતે સહન કરશે પ્રિયે?
હવે જલ્દી બીજું કોઈ વિવેકપૂર્ણ વચન માંગી લે જેથી ભરતનો રાજ્યાભિષેક આપણે સૌ આનંદથી માણી શકીએ.. "

કૈકેયીજી-"મને વાતોથી ભરમાવશો નહિ..બંને વચનો સાથે જ પૂર્ણ થવા જોઈએ. જો સવાર થતા રામ વનપ્રયાણ નહિ કરે તો તમારો અપયશ નક્કી છે! "

રાજા દશરથ-
" कहऊ सुभऊ न छलु मन माहीं , जीवनु मोर राम बिनु नाही..

રાણી, મનમાં કોઈ પણ કપટ રાખ્યા વિના કહું છું કે રામ વિના હું જીવી શકીશ નહિ.. ભરતને અન્યાય નથી થવાનો અને રામને વનવાસ જતા હું કોઈ કાળે જોઈ શકીશ નહિ..."અજાણપણે  ભવિષ્યની સત્ય આગમવાણી કરતા રાજા દશરથ બોલ્યા... જે રાજા એ ભૂતકાળમાં અસંખ્ય યુદ્ધો જીત્યા હતા, એ આજે વચન પાસે લાચાર હતા.. આંખમાં આંસુઓ આવવાને લીધે તેમને સામેનું દ્રશ્ય વિચલિત દેખાતું હતું.. ઉભા થતા સાથે જ કશી વસ્તુ સાથે અથડાતા પડતા રહી ગયા..રાણીએ આધાર આપીને પોતાના છત્ર પલંગ પર બેસાડ્યા..અને ફરીથી કહ્યું, "જો આપવાની શક્તિ નહોતી તો પછી કયા આધારે મને વચનો આપ્યા? હવે વચન પૂર્ણ કરો અથવા તો જે ગર્વથી રઘુવંશીની ટેક રાખી છે તે સદા માટે તોડો..."

રાત વધુ ઘનઘોર થઇ.. અર્ધ-જાગૃત એવા રાજા શય્યામાં રડ્યા કરે છે અને ન સંભળાય તેવા સ્વરે વિલાપ કર્યા કરે છે.. એમની અબળા જેવી ચેષ્ઠાઓં થી કંટાળીને રાણી કક્ષમાં આંટા કરે છે અને પોતાનું વચન પૂરી થવાની રાહ જુએ છે.. રાતના પ્રહર સાથે રાજાનો વિલાપ વધતો ચાલ્યો ..
" હે સૂર્ય દેવતા! કાલે ઉદય ના થશો..જો કાલે સવાર પડશે તો ચૌદ વરસ સુધી અયોધ્યામાં અંધારું થશે..."
વારંવાર આર્દ્ર સવારે રાજા અનેક દેવતાઓને વિનંતી કરે છે...

Raja Dashrath Vilaap Video



પરોઢ થયું.. વીણા,વાંસળી અને શંખનાદ રાજદ્વારે ગુંજી ઉઠ્યા.. દીક્ષા લેવી હોય એને શણગાર ગમતા નથી તેવી રીતે આ મંગલગાન રાજાને કઠોર લાગ્યા...
રાજદ્વારે સેવકો, સચિવોની ભીડ લાગી.. બધા એક બીજાને પૂછતાં હતાં." શું રાજાજી હજી ઉઠ્યા નથી? કોઈ ખાસ કારણ તો નથી ને? કોઈ જાઓ અને એમને જગાડો જેથી આજનો શુભ પ્રસંગ શરુ થઇ શકે... "
આખરે રાજાના ખાસ મંત્રી એવા સુમંત્રજી રાજમહેલમાં ગયા...  રાણી કૈકેયીનો મહેલ આજે બિહામણો ભાસી રહ્યો હતો.. તેઓ રાજાને મળવા ગયા પણ ત્યાં જઈને રાજાની દશા જોતા સ્તબ્ધ રહી ગયા...!!

જય સિયારામ..

Friday, November 8, 2013

રાણી કૈકેયીજીના બે વચનો...

જય સિયારામ..

રાણી કૈકેયીજીએ મંથરાને અત્યંત નિકટની અને વિશ્વાસુ માની. એના કહ્યા મુજબ એ કોપભવનમાં જવા નીકળ્યા.
જતા જતા મંથરાએ સલાહ આપી ,"સૌ પ્રથમ મહારાજ પાસે રામના સોગંદ લેવડાવજો પછી જ કશું કહેજો જેથી મહારાજ વચનફેર કરી ના શકે.. આજે રાતે જ આ કામ પૂરું થઇ જવું જોઈએ નહિ તો બાજી બગડી જશે.."

રાજદરબારમાં ખુબ જ ભીડ જામી છે. કોઈ અંદર જાય છે તો કોઈ બહાર જાય છે..રાજ્યાભિષેકના શણગારોને આખરી ઓપ આપે છે. શ્રીરામના બાળસખાઓ શુભ સમાચાર સાંભળી તેમને મળવા આવી રહ્યા છે..
સાંજે મહારાજ દશરથ અત્યંત ખુશ થઈને પોતાની પ્રિય રાણી કૈકેયીના મહેલે જાય છે..
પરંતુ ત્યાં ગયા બાદ મંથરા દ્વારા ખબર પડી કે રાણી કોપભવનમાં છે..
ચિંતા હોવા છતાં મહારાજના મુખે સ્મિત આવ્યું. મનમાં વિચાર્યું ,"લાગે છે એને મળવા આવવામાં વિલંબ થયો એટલે રિસાયા છે..કશો વાંધો નહિ .જલ્દી જ માની જશે..એમ પણ પોતાના પુત્રનો રાજ્યાભિષેક છે..જો કોઈ ભેટ માટે હોય તો થોડી ઘણી સ્ત્રીહઠ માન્ય છે..."

રાજા કોપભવનમાં ગયા. પરંતુ આ શું? રાણીના સદા સ્મિત રમાડતા મુખ પર આજે સહજ હાસ્ય નહોતું. જુના વસ્ત્રો પહેર્યા હતા. બધા જ આભૂષણો ત્યાગી કાળી ટીલડીઓ કરી હતી. અને જમીન પર સુતા હતા..
તેમનો આ વેશ ભાવિ વૈધવ્યનું સૂચક બનશે એવી કોને ખબર હતી !

રાજાજી જઈને તેમની પાસે બેઠા. તેમને વહાલ ભર્યો સ્પર્શ કરવા જતા રાણી વધુ ક્રોધે ભરાયા. રાજાજી મૃદુ સવારે બોલ્યા,"શું વાત છે? શા કારણે અમારી પ્રિય રાણીને રીસાવું પડે છે ? ચંદ્ર જેવા મુખ પર અમાસ કેમ છે ? "
રાણીએ કોઈ ઉત્તર ન આપ્યો. ઉલટાનું આંખમાનું કાજળ આંસુમાં ભીંજાઈને મુખ પર આવ્યું.
રાજાજીએ ફરી મનાવવા પ્રયાસ કર્યો, "લાગે છે નગરમાં કોઈ છે જેને યમદ્વાર જોવો છે..એવું કોણ છે જેણે તમારું અહિત કર્યું છે ? તું બોલે તો ખબર પડે.. "
 કોઈ ઉત્તર ન મળતા હવે રાજાને લાગ્યું કે કશુંક ગંભીર છે. તેઓ બોલ્યા, "તને ખબર છે કે આજ સુધી તારી દરેક ઈચ્છા પૂરી થઇ છે..કોઈ પણ વાત હૃદયમાં રાખ્યા વિના નિ:સંકોચ જણાવ.  "રાજાજી આર્દ્ર સ્વરે બોલ્યા.
અને પછી ઉમેર્યું,"તારે મનગમતું જે જોઈતું હશે તે મળશે .અને આ તો શુભ અવસર છે જે જોઈએ એ બોલ. પણ આવા શુભ સમયે આવો કુવેશ ન કર. નવા વસ્ત્રો અને આભૂષણો સાથે થોડો સ્મિતનો શૃંગાર કરી આ કોપભવનમાં થી બહાર ચાલ.. તું કઈ કહે ને હું ન માનું તો મને આજે રામના સોગંદ છે...!!!!"

પોતાની જાતે જ મહારાજે સોગંદ લઇ લીધા એ વિચારે કૈકેયીજીના મુખે રોનક આવી. પોતાના મહેલમાં જઈને તેઓએ  અવસર પ્રમાણે શૃંગાર કર્યો. અને પતિની પાસે ગયા.
દશરથજી બોલ્યા,"પ્રિયે! તને મનગમતું જ થયું છે! આવતી કાલે તારા સૌથી પ્રિય એવા પુત્ર રામને એક પદ સોપું છું.. "

જેવી રીતે ચોરને જાહેરમાં સજા થતી હોય તો તેની પત્ની દુ:ખી હોવા છતાં બધાની સામે રડી ન શકે તે જ રીતે રાણી કૈકેયીને ન ગમતું હોવા છતાં પ્રારંભમાં સ્મિત કર્યું.

રાજાના કહેવા પર તેમણે ફરીથી બનાવટી છણકો કર્યો," હંમેશા કંઈક માંગવાનું કહો છો , મેં કશું માંગ્યું છે ક્યારેય ? તમને પેલી વર્ષો પહેલાની ઘટના યાદ છે ? એક ભીષણ યુદ્ધમાં તમે ફસાઈ ગયા હતા. અને કોઈની ગદાનાં પ્રહારથી આપના રથના પૈડાની ધરી નીકળી ગઈ. રથમાં ત્યારે હું પણ હતી અને મેં....."

રાણીને અટકાવતા રાજા બોલ્યા, "અને તમે એ પૈડાની ધરીની જગ્યાએ તમારા આ કોમળ હાથની  આંગળી મૂકી રથને પડતો બચાવ્યો હતો. "  વર્ષો જુનું નિશાન જાણે હજી તાજું હોય એમ કૈકેયીજીના હાથને પોતાના હાથમાં લેતા રાજા ફરી બોલ્યા, "એટલું જ નહિ, આ ઘાયલ મહારાજને હજારો શત્રુઓ સામે  લડીને હેમખેમ મહેલએ લઇ આવવા વાળા પણ આજના આ રિસાયેલા મહારાણી હતા..."

હવે કૈકેયીજી ની ધીરજ ઘટતી ચાલી, " ત્યારે તમે ખુશ થઈને મને બે વરદાન માંગવા કહ્યું હતું. "
દશરથજી- "અને તમે સમય આવ્યે માંગશો એવું કહ્યું હતું.."
કૈકેયીજી -"તો એ વરદાન આજે જ પૂરા થાય તો કેવું! "
દશરથજી -"માગો! ત્યારે એક શું! આજે તો જેટલું માંગશો તે થશે..પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુકુળની પરંપરા રહી છે હમેશા થી. વળી, આજે તો મેં રામના સોગંદ પણ લીધા છે.. ."

પછી જે કંઈ રાણી કૈકેયીએ માંગ્યું એ અશુભ હોવાનો સંકેત આપતું હોય તેમ એક નિશાચર પક્ષી મહેલ પરથી ચીસ પાડતું ઉડ્યું. રાજ્યાભિષેકની તૈયારીઓમાં ડૂબેલા અયોધ્યાએ જો થોડીવાર કોલાહલ શાંત કર્યો હોત તો તેમને કદાચ રાજા દશરથના બેશુદ્ધ થઈને જમીન પર પડવાનો અવાજ પણ સંભળાત...!!

જય સિયારામ..

Monday, October 14, 2013

કૈકેયીજી-મંથરા વાર્તાલાપ

જય સિયારામ..

આ બાજુ શ્રીરામના રાજ્યભિષેકની તૈયારી જોર-શોરથી ચાલે છે.. મુનિવરો રાજ્યાભિષેક માટે જરૂરી એવા ઔષધ, મૂળ, ફૂલ -ફળ, પાન વગેરે માંગલિક વસ્તુઓની નામાવલી બનાવે છે..જે પ્રભુ એ બધા તીર્થોને પવિત્ર કર્યા એ પ્રભુ માટે બધા તીર્થસ્થાનોના જળ મંગાવવામાં આવેછે.
વેદશાસ્ત્રમાં જણાવ્યા મુજબ મંડપો રચવામાં આવી રહ્યા છે..
ધજા,તોરણ,પતાકા,કળશ, ઘોડા-હાથીઓ અને શણગારેલા રથ નગરને શોભાયમાન બનાવી રહ્યા છે..

પોતાની વાત રાણી સમજતા નથી એટલે મંથરાએ નવો રસ્તો કાઢ્યો..
આંખમાં આંસુ સાથે કહ્યું," હું ખરે જ પાપીણી છું.. સાચું કહેવા જતા આપને દુખ થયું..
તમને મનગમતી, બનાવટી અને ખોટી વાતો કહેનારા જ વધુ પ્રિય છે..
હું પણ એવું જ કરીશ.. નહિ તો દિવસ-રાત મૂંગી જ રહીશ..
વિધાતાએ મને પરવશ બનાવી છે..આપ્યું હોય એવું મળે..
કોઈ ભલે ને હવે નૃપ બને મને શી હાની!
હું કઈ દાસી મટીને રાણી તો ન બની શકું ને! જે ભાગ્યમાં હોય એ થાય!!"

દૈવીમાયાથી ભ્રષ્ટ થયેલી મતિ વાળી મંથરાની ગુઢ અને કપટ ભરી વાણી સાંભળી હવે કૈકેયીજી તેને હિતેચ્છુ માનવા લાગ્યા.. શબરીના ગાનમાં જેમ મૃગી મોહી પડે તેમ ભ્રમિત થયેલા કૈકેયીજી શાંતિથી મંથરાને પૂછવા લાગ્યા..આ ફેરફાર જોઈ દાસીને પોતાનો દાવ સફળ થયાની ખાતરી થઇ..
આ પછી એવી કુટિલ વાતો રાજ્યાભિષેક સાથે જોડી કે પરસ્પર અંટસ અને વેરભાવ વધી જાય..

ભાગ્ય મુજબ કૈકેયીજીને મંથરા પર વધુ વિશ્વાસ થયો એટલે મંથરાએ ફરી કહ્યું,"પશુ પણ પોતાનું હિત અને અહિત જાણે છે..તમને તો હજી સમજણ નથી પડતી..કોઈ બીજા દ્વારા તમને રાજ્યાભિષેકની જાણ થાય છે..એટલે સમજી લેજો કે ભવિષ્યમાં જો તમે આ નવા બનતા રાજાની સેવા-ચાકરી નહિ કરો તો દુધમાં પડેલી માખી સમાન બનશો.. લક્ષ્મણ તો પહેલેથી જ રામજીના મંત્રી છે અને ભવિષ્યમાં પણ એ જ થશે...પણ ભરત ? એને કારાવાસ જ મળશે.."

આવું સાંભળી રાણી કૈકેયીનો કંઠ સુકાઈ ગયો.. કશું જ બોલી ના શક્યા.. આ જોઈ મંથરાએ આખરી દાવ લગાવ્યો.."હું જાણું છું તમને રામ-સીતા ખુબ જ વહાલા છે..અને રામને તમે પ્રિય છો એ પણ માની લઉં છું..પણ એ ભૂતકાળ હતો.. સમય બદલતા મિત્રો પણ દુશ્મન બની જાય છે.. તમારો સ્વભાવ સરળ છે એટલે જ તમે રાજાજીના પ્રિય છો.. પણ માતા કૌશલ્યાએ જ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરવાની સલાહ આપી છે..પતિને પોતાની કરતા કોઈ બીજી રાણી અધિક પ્રિય હોય એવું કઈ રાણી ચલાવી લે ભલા!?
એટલે જ આ બધું થયું છે.. અને,રામજીનો રાજ્યાભિષેક થાય તો ઉચિત જ છે..એ જયેષ્ઠ છે અને જ્યેષ્ઠ કુંવર જ યુવરાજ હોય એવી પરંપરા પણ છે.. પણ રામના રાજ્યાભિષેક પછી આગળ વિચારતા હું ડરું છું.."

હવે કૈકેયીજીએ મૌન ભંગ કર્યું...કહ્યું," મંથરા, મેં કદી કોઈનું પણ અહિત કર્યું નથી..છતાં આવું થાય છે? મને સમજ નથી પડતી કે હવે શું કરું! પણ રાણી થઈને સેવા ચાકરી તો નહિ જ કરું..આવું જીવન જીવવા કરતા મરવાનું પસંદ કરીશ.. "
મંથરાએ ધીરજ બંધાવી,"તમે આમ મનમાં ઓછું આણો એ કેમ ચાલે! તમારું સુખ દ્વિગુણિત થાઓ..
તમે આજ્ઞા આપો તો એક ઉપાય કહું.. બધું બરાબર થઇ રહેશે...બસ એક વાતનો ખ્યાલ રાખજો કે એકાએક કોઈ પણ વાત પર વિશ્વાસ ના કરશો  અને પોતાની માંગણી છોડશો નહિ..."

અને પછી રાણી કૈકેયીને મંથરાએ મીઠા મધમાં ઝેર ઘોળીને આપ્યું....

જય સિયારામ..


Friday, June 21, 2013

રાજ્યભીષેક પૂર્વે continue...

જય સિયારામ..

એ વ્યક્તિ હતી મંથરા ..મહારાણી કૈકેયી સાથે પિયરથી  આવેલી તેમની અત્યંત વિશ્વાસુ દાસી .
બધી જગ્યાએ શ્રીરામને મળતું મહત્વ અને પ્રેમ એને કઠતા.
શ્રીરામને મહારાજ બનાવવાની વાત એને ના રૂચી. જયારે એણે સાંભળ્યું કે રાજ્યાભિષેક ખુબ જલ્દી થવાનો છે ત્યારે તો એના મનમાં વધારે શંકા ઉપજી..
એ સીધી મહારાણી કૈકેયી પાસે પહોચી ગઈ...
મંથરા- "મહારાણી, આ શું થઇ રહ્યું છે? તમે કઈ સાંભળ્યું?"
કૈકેયીજી તો સાતમા આસમાને હતા..પોતાનો પ્રિય પુત્ર રાજા બનવાનો હોય તો કઈ માતાને આનંદ ના હોય! એમણે મંથરાએ કહેલી વાત પાછળ નો ભાવ અવગણ્યો..
કૈકેયીજી- "હા મને જાણ છે જ..તું અત્યારે બસ એક કામ કરી આપ મને. નગરના શ્રેષ્ઠ સોનીને બોલાવ.
મારે મારા તથા માંડવી અને ઉર્મિલા માટે નવા આભૂષણો કરાવવા છે"
આ સાંભળી તો મંથરાને વધુ ગુસ્સો આવ્યો...
મંથરા-"આ શેનું ગાંડપણ ચડ્યું છે તમને?? રાણી કૌશલ્યાનો પુત્ર રાજા બની રહ્યો છે..તમને કઈ ભાન છે?"
કૈકેયીજી-" રામ તો મારો પુત્ર છે મંથરા..અને એ રાજા બનશે એ વિચારે જ મને આટલો બધો આનંદ આવે છે.."
મંથરા-"મહારાણી! અત્યારે તમારો વિરોધ કરવાનો વખત છે અને તમે તો રાજ્યાભિષેક ની તૈયારીઓ કરો છો?"
કૈકેયીજી-"શેનો વિરોધ મંથરા?"
મંથરા-" આ રાજ્યાભિષેક નથી..ષડયંત્ર થઇ રહ્યું છે..અને એ પણ ખુબ જ સમજી વિચારી ને.."
કૈકેયીજી-"આ શું બોલે છે તું? લાગે છે તારા શરીર ની માફક તારી બુદ્ધિ પણ વક્ર દશાને વરેલી છે.."
મંથરા-" જે કહો એ..હું ચુપ નહિ રહું..તમે જ વિચારો..શા માટે આ રાજ્યાભિષેક અત્યારે જ થઇ રહ્યો છે? અત્યારે તો કુમાર ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા છે..ક્યાંક આ તકનો લાભ જ નથી લેવાતો ને? અને રામ જ રાજા કેમ? એવી શું ખાસિયત છે એના માં જે કુમાર ભરત માં નથી? શું તમે માનીતા રાણી નથી રહ્યા મહારાજના?"
કૈકેયીજી એ પોતાના કાન આડા હાથ મૂકી દીધા -" બસ..ચુપ કર મંથરા..રામની વિરુદ્ધ  હું એકપણ શબ્દ સાંભળવા નથી માંગતી.."
મંથરા-"રામ..રામ..રામ..જ્યાં જુઓ ત્યાં એના જ ગુણગાન..ખુદ માતા પોતાના સંતાનની ફિકર છોડીને એના ગુણગાન ગાય છે.."
હવે કૈકેયીજીથી ગુસ્સો સહન ના થયો..કક્ષની સોનવર્ણી દીવાલે ચળકતી તલવાર કાઢીને મંથરાના ગળે મૂકી.."કુબડી, જતી રહે અહીંથી..નહિ તો આ શુભ અવસરે મારા હાથે તારો વધ થઇ જશે.. "

જય સિયારામ..

Tuesday, June 4, 2013

રાજ્યાભિષેક પૂર્વે....

જય સિયારામ..

થોડા દિવસ બાદ રાજા દશરથ પોતાને આયનામાં જુએ છે..અને અચાનક
કંઇક તેમના ધ્યાનમાં આવે છે..પછી કશુંક વિચારી સ્મિત કરે છે અને રાજસભામાં જવાતૈયાર થાય છે..
પોતાનો વિચાર અમાત્યો અંને મંત્રીઓ પાસે રજુ કર્યો.
બધેથી તેમના આ અતિ મંગલમય વિચારને સરાહના મળી..
હવે મહારાજે જયોતિષાચાર્યને બોલાવ્યા . અને એ પરમ સુખદાયી કાર્ય માટે બહુ જ નજીકનું મુહુર્ત નક્કી થયું..
તે જ દિવસે નગરમાં બધાએ ઢંઢેરો સાંભળ્યો ,"સાંભળો, સાંભળો...રાજા દશરથની નિવૃત્તિ પ્રસંગે અયોધ્યામાં ભવ્ય મેળાવડો યોજાયો છે..તેમજ અયોધ્યાના જયેષ્ઠ કુંવર શ્રીરામચંદ્રના રાજ્યાભિષેક પ્રસંગે સૌ પ્રજાજનોને આવવાનું સહર્ષ આમંત્રણ પાઠવવામાં આવે છે.. "

લોકો એકબીજાને વધાઈ દેવા માંડ્યા. પ્રજાજનોના પરમપ્રિય કુંવર હવે અવધપતિ બનવા જઈ રહ્યા હતા.
 જાનકીને મહારાણીના રૂપમાં કલ્પના કરતા લોકો થાકતા નહોતા..બધે જ આનંદ આનંદ થઇ રહ્યો.
બધા લોકો પોતાની વ્યાધિઓ ભૂલીને આ દુર્લભ અવસર નિહાળવાની તૈયારીઓ કરવા લાગ્યા.
પરંતુ જ્યાં આખું અયોધ્યા જે વાતને લઈને હિલોળે ચડ્યું હતું, ત્યાં જ એ વાત ને લઈને એક વ્યક્તિ અત્યંત નાખુશ હતી...

જય સિયારામ..


Friday, September 21, 2012

લડાઈ ..

જય સિયારામ...

મહિનાઓ આનંદમાં વીતે છે..નવપરિણીત દંપતી એકબીજાને સમજેછે અને એકબીજાને 
અનુરૂપ થવા પ્રયત્ન કરે છે..

એકવાર ચારે યુગલ મિથીલા જવા નીકળેછે. ત્યાં થોડા દિવસ રોકાઇને જયારે
તેઓ પાછા ફરતા હોયછે ત્યારે તેમના પર રાજાઓની ટુકડી આક્રમણ કરે છે..
આ એ જ રાજાઓ છે જે સીતા-સ્વયંવરમાં નિષ્ફળ નીવડ્યા હતા.
સ્ત્રીઓને છાવણીમાં રાખી કુંવરો  લડે છે..જેમાં બાણ લગતા ભરત મૂર્છિત થાયછે.
રામજીએ લક્ષ્મણને નજીકના આશ્રમથી જડીબુટી લાવવા કહ્યું..
લક્ષ્મણ તુર્તજ જાયછે પરંતુ આશ્રમના ગુરુજી સાધનામાં બેઠા હતા..
આશ્રમવાસીઓની મનાઈ છતાં લક્ષ્મણ બુટી લઈને ભરત પાસે પહોચી ગયા.
પરંતુ બુટીનો પ્રભાવ પડતો નથી. 
લક્ષ્મણ-"ભાઈ, હું ગુરુદેવની આજ્ઞા વગર જ બુટી લઇ આવ્યો છું ,શું એટલે જ
આ બુટી કામ કરતી નથી?"
શ્રીરામ તરત જ આશ્રમે ગયા. જઈને જુએ તો ગુરુદેવ ક્રોધિત હતા કે
કોઈ અજાણ્યું આજ્ઞા વિના જ બુટી લઇ ગયું..!
શ્રીરામે પરિસ્થિતિ સંભાળી. ગુરુને શાંત પાડી સમજાવ્યા..
ત્યારબાદ ગુરુદેવના આશીર્વાદથી ભરત સાજા થયા..અને યુદ્ધમાં 
પણ જીત થઇ.
અયોધ્યા પાછા ફરતા બધાને આ વાતની જાણ થઇ. કૈકેયીજી તો
રામને ભેટી પડ્યા..
શ્રીરામ-"માતે, સાચો ધર્મ તો લક્ષ્મણે બજાવ્યોછે..મુનિનો ક્રોધ વહોરીને પણ
તેને બુટીઓ લાવી આપી."  કૈકેયીજીએ  લક્ષ્મણને પણ ગળે લગાડ્યા..
માંડવી ભરતને  લઈને તેમના કક્ષમાં પહોચી. ત્યાં મંથરા હતી..
સ્મિત સાથે કહે,"આવો મહારાણી! થાકી ગયા હશો તમે..
તમે વિશ્રામ કરો ત્યાં હમણાં જ હું ભોજન પીરસુછું.."
માંડવી-"તમે મને મહારાણી કેમ કહોછો? હું મહારાણી નથી..."
મંથરા-"મહારાજ દશરથના ઉત્તરાધિકારી ભરત છે. તેઓ મહારાજ થાય
તો તમે મહારાણી થયા ને!!"
આ સાંભળી માંડવી હસી પાડી-"અરે! મહારાજ તો રઘુનંદન શ્રીરામ થશે..અને મહારાણી
થશે મારી બહેન સીતા! "-આમ કહી તે હસતી ચાલી ગઈ..
મંથરા મોં મચકોડી પોતાનું કામ કરવા લાગી...

જય સિયારામ...

Friday, August 17, 2012

અયોધ્યા આગમન

જય સિયારામ..

જાન અયોધ્યા પહોચે છે..માતાઓ એ જાનનું ભવ્ય સ્વાગત કર્યું..
માંડવીને ભરત સાથે જોઇને મંથરા મનમાં બબડી,."આવી ગઈ અયોધ્યાની મહારાણી!!"
માતાઓ પોતપોતાની વહુઓ લઈને સભામાં પધારેછે..અને વડીલોના આશીર્વાદ લેવડાવે છે.
થોડીવાર પછી અંગૂઠીરમત જેવી રમતો ચાલી..
સીતારામ બંને મળીને દુધના પાત્રમાં અંગૂઠી શોધવા લાગ્યા...અચાનક રામજીને મુદ્રિકા 
મળી ગઈ પરંતુ..હળવે રહીને તેમણે અંગૂઠી સીતાજીના હાથમાં સરકાવી દીધી..
અને સીતાજીને ફરી એકવાર જીતી લીધા!!

તે રાત્રે રઘુનંદન સીતાજીને પૂછેછે,"શું તમે મને મારા દરેક કાર્યોમાં સાથ આપશો?"
સીતાજીએ હા પાડી એટલે રઘુનંદન હસ્યા.."ખોટા કાર્યોમાં પણ સાથે રહેશો?"
આ સાંભળી સીતાજીએ ઉચું જોયું...એટલે શ્રીરામ સમજાવે છે,"આપણે હમેશા 
નૈતિક કાર્યો કરવા જોઈએ અને હું એમ જ કરીશ..પરંતુ બની શકે કે ક્યારેક હું માર્ગમાંથી
ભટકી જાઉં..એ સમયે મારો સાથ આપવાને બદલે મને રોકવો એ તમારો ધર્મ હોવો જોઈએ.."
સીતાજીએ સ્મિતથી ઉત્તર વાળ્યો...



શ્રીરામ આગળ બોલ્યા,"દેવી,પતિ પત્ની સંસારરથના બે પૈડાં સમાન છે..બંને ને સાથે ચાલવું જોઈએ..
પરંતુ એ પહેલા આપણે એક બીજાના મિત્રો છીએ..અને એ રીતે જ રહેવું જોઈએ.
.એટલેકે આપણા બંને માંથી કોઈમોટું નથી અને કોઈ નાનું નથી..બંને સમાન છીએ..
જેટલી તમારી ફરજો છે, એટલી જ મારી પણ છે.."
સીતાજી-"હું મારી દરેક ફરજને પૂરી નિષ્ઠાથી નિભાવીશ, સ્વામી!"
શ્રીરામ-"આજે હું તમને એક ભેટ આપવા ઈચ્છુંછું..કોઈ હીરા-ઝવેરાત નહિ,
 પરંતુ એક વચન આપુછું.. રાજાઓને અનેક વાર લગ્નો કરવાની છૂટ હોય છે...
પરંતુ મારા જીવનમાં મારી એક જ સહધર્મચારિણી રહેશે..અને એ તમે હશો.
.એ હમેશા યાદ રાખજો કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું સ્થાન લેનારું ક્યારેય
કોઈ નહિ આવી શકે-આ મારું-એક સૂર્યવંશીનું  વચન છે.."
સીતાજી-"અને મારું પણ આપને  વચન છે કે તન,મન,વચન અને કર્મથી સદા આપની જ સંગીની બનીશ.."

જય સિયારામ..

Saturday, August 4, 2012

વિદાય ....

જય સિયારામ.. 

મહારાજા જનકની ઇચ્છાથી જાન થોડા દિવસ વધુ મિથીલામાં રોકાઇ..
પરંતુ અયોધ્યામાં ત્રણે રાણીઓની આતુરતા વધતી જતી હતી..
સુમિત્રાજી-મહારાજ દશરથ કેમ અયોધ્યા પાછા ફરવાની ઉતાવળ નથી કરતા?
કૌશલ્યાજી-મને લાગે છે મહારાજ જનકની ઈચ્છા નહિ હોય ત્યાં સુધી તેઓ પાછા નહિ ફરે.
જે પુત્રીઓને પાળી-પોષીને મોટી કરી હોય તેમને પોતાનાથી અળગી કરતા ક્યા માતા-પિતાનો
જીવ કપાઈ ન જાય! અને તેમની માતાની મનોસ્થિતિ તો કલ્પી જુઓ!
કેટલા ઉચાટમાં હશે સુનયનાજી!
આમ અયોધ્યામાં રાણીઓએ તો મન વાળી લીધું..હવે મિથીલાવાસીઓનો વારો હતો..

સીતાજી પોતાના કક્ષમાં ધનુષભંગનું તૈલચિત્ર જોતા બેઠા છે..ત્યાં સળવળાટ થયો.
પાછળ જોયું તો પિતાશ્રી આંખમાં આંસુ સાથે ઉભા હતા..
સીતાજી એમને ભેટી પડ્યા..પિતાએ પુત્રીને સમજાવી કે,"સાસરામાં 
વડીલોનો હંમેશા આદર કરજે..અને પિયર અને સાસરાની ગરિમા જળવાઈ રહે
તેવા જ કાર્યો કરજે.."
બધી બહેનો માતા પાસે પણ જાય છે અને પતિના પગલે ચાલવાનો સંકલ્પ પણ
લે છે..
હવે વિદાયની ઘડી આવી ગઈ..પુષ્પોથી લદાયેલી ચાર ડોલીઓ તૈયાર હતી..
બધા મિથીલાવાસીઓની આંખ ભીની હતી... જાણે કહેતી હતી,

कैसी घडी आई, रोके रुके न रुलाई..तोहे कहेके पराई कैसे दे दे विदाई सजनी..
मंगल बधाई अभी जिसने सुनाई काहे  वो ही शहेनाई सुर दुःख भरे लाइ सजनी..

જનકરાજાને બધે સીતા,ઉર્મિલા,માંડવી, શ્રુતકીર્તિ નાની નાની બહેનો રમતી દેખાય છે.


वो बचपन हम भूलेंगी कैसे, जो तेरे संग हँस-बोलके बिता..
हम-सी तुजको अनेक मिलेंगी, तुज-सी एक मिलेंगी न सीता..
काली घटा छाई, रुत सावनकी आई, क्या कहेंगे जो तुजे पूछेगी अमराई सजनी..

બધી બહેનો માતાઓ , સખીઓને ભેટીને રડી રહી હતી..
બધી બહેનો નું અંતર જાણે કહી રહ્યું હતું...
घर अनजाना, नगर अनजाना..अनजानों संग जनम बिताना..
सीताका जाना तो सबने देखा, जाने वालि का दुःख नहीं जाना..
आई  तरुणाई परदेस पठाई बेटी, किस अन्यायीने ये रित बनाई सजनी...

ડોલીઓ ઉઠવા લાગી...રાજા જનકની ધીરજ ખૂટી ગઈ..
जो हे स्वयं महालक्ष्मीकी मूरत, कोन दहेज़में कोई उसे क्या दे!
चाहे जनक वात्सल्यकी अंतिम बूंद भी सीता पे आज लुटादे..!
बाबुलकी कठिनाई जाये न बताई जैसे, बेटी नहीं माई आज डोलीमें बिठाई सजनी...

માતા સુનયનાની પણ એ જ દશા છે..છતાં પતિને ધીરજ બંધાવે છે,
"સ્વામી, તમે તો વિદેહ છો..બધા મોહ પર આધિપત્ય મેળવ્યું છે..છતાં
કેમ આમ કરોછો! "
"દેવી,દીકરીને વળાવતા બધી સિધ્ધિઓ ભૂલી જવાય છે!!"
રાજા દશરથ વેવાઈને આશ્વાસન આપે છે.."આપ ચિંતા ન કરશો મહારાજ..
હું તેમને ક્યારેય ઓછું નહિ આવવા દઉં..માતા-પિતાની ખોટ તેમને કદાપી
નહિ સાલે..તેઓ અયોધ્યામાં પણ એ જ ઠાઠ માં રહેશે, જેમ તેઓ અહી રહેતી હતી!
આ મારું વચન છે આપને.."
બંને વેવાઈએ હાથ જોડ્યા...જાન નીકળી ગઈ..સર્વત્ર નીરવતા પથરાઈ ગઈ..
અને સખીઓના ડૂસકે વૈદેહીનું બાળપણ હડસેલાઈ ગયું...!!


જય સિયારામ..



Thursday, July 12, 2012

अवधके दीपक, मिथिला की बाती, बनने चले हैं जीवनसाथी!!

જય સિયારામ..
આખરે લગ્નની શુભ ઘડી પણ આવી પહોચી!
 સર્વાંગ સુંદર એવા ચાર લગ્નમંડપો મહેલમાં શોભી રહ્યા..બધા મિથીલાવાસીઓ જાણે
તૈયારીઓમાં ડૂબી ગયા..
સીતાજીની સખીઓ ચારે કુંવરીઓને શણગારી રહી હતી...અને સાથે સાથે ચીઢવતી
પણ હતી...
...हे निराली तुम्हारी ससुराल जहाँ पे तुम्हे जाना है..
तिन सासु है तेरह सवाल, जहाँ पे तुम्हे जाना हैं..

बड़ी सासुके चरण दबोगी तो, छोटी सासुके पेटमे पीर होगी!
तुम जो मंजली की वेणी बनोगी तो, बड़ी सासु बड़ी ही अधीर होगी!
वहां सहज गलेगी नहीं दाल!,जहाँ पे तुम्हे जाना हैं...

ચારે કુંવરીઓ પણ તેમણે યથા-યોગ્ય જવાબ આપે છે..

तीनो हम पर गर्व से फूलेगी, भोले मुख देखके बोलेगी!
पर ये मत भूलो आठो  पहर, तिन तलवारे मस्तकपे ज़ुलेगी!
हम ससुरको बना लेंगे ढाल, जहाँ  पे हमें जाना जाना हैं!

હવે લગ્નમંડપ માં ચહલ-પહલ વધી..લગ્નના વસ્ત્રોમાં સુસજ્જ થયેલા
કુંવરોને લઈને મહારાજા દશરથ જાનૈયાઓ અને મહર્ષિ વશિષ્ઠ સાથે
આવી પહોચ્યા...


કુંવરીઓ પણ સુસજ્જ થઈને ભવનમાં પ્રતીક્ષા કરતી હતી..ત્યારે 
માંડવી અને શ્રુતકીર્તિનાં માતાશ્રી આવ્યા..
ચારેનાં માથે હાથ ફેરવ્યો અને કહ્યું,"હવે તમે થોડા કલાકોમાં
વિદાય થશો..એ પહેલા હું તમને ચારે બહેનોને કૈક કહેવા માંગું છું..
તમે હવે અયોધ્યાના  રાજમહેલમાં જશો..જ્યાં રાજ છે, ત્યાં રાજનીતિ પણ અવશ્ય
હશે..પરંતુ તમારા-ચારે બહેનોમાં  ક્યારેય પણ કોઈ રાજનીતિને લઈને
કોઈ કલેશ કે કોઈ વિખવાદ થવો ન જોઈએ..કોઈ ગમે તે કહે પરંતુ
હમેશા એક-બીજાનું ભલું જ ઇચ્છવું.."
ચારે બહેનો એ એક બીજા સામે અશ્રુમિશ્રિત આંખોથી જોયું અને માતાને
વચન આપ્યું કે કોઈ પરિસ્થિતિમાં તેઓ અલગ નહિ પડે..
આટલા માં જ એક સેવકે આવીને કુંવરીઓ ને લગ્નમંડપમાં જવાની સુચના 
આપી...
એક પછી એક કુંવરીઓને મંડપ સુધી લવાઈ..
અત્યારે જો કામદેવની સો પત્નીઓ આવે તો તેમને પણ પરાજિત કરી દે
એવી ચારે કુંવરીઓ લાગતી હતી!

धर्मशील गुणवती पुनीता, ज्योति लुटाती आ रही सीता..
अभिनव रूप-तेज हे अतुलित, सौ रतिको करे सिया पराजित!



જાણે ત્રીભુવનની સ્વામિની  સ્વયં ત્રિભુવનના સ્વામીને
મળવા જઈ રહી હોય તેવું દ્રશ્ય સર્જાયું!

त्रिभुवनके स्वामी से मिलन को चली त्रिभुवन स्वामिनी...
हैं संग तीनो भगिनियां, सिय-पंथ की अनुगामिनी!

રામ-સીતા  બંને એક બીજાના પર્યાય ભાસે છે...
दोनों के पर्याय हैं दोनों, पूर्वलिखित अध्याय हैं दोनों..
 निस्तेज करे दो कांति कोटि रति-काम की!
सुर-नर-मुनिमोहिनी जोड़ी सितारामकी!..



કન્યાદાન નો વખત થયો...જેવી રીતે સાગરે શ્રી હરિને લક્ષ્મીજી
આપ્યા,અને હિમાલયે શિવને ગૌરી આપ્યા હતા તેવી જ રીતે જનક્જી
સીતાજી રામજીને  અર્પણ કરે છે..

सागर ज्यों हरी को दी लक्ष्मी, सौपी हिमालयने शिव को गौरी,
वैसी ही रित जनक निभाए, कन्यादान से पुण्य कमाए..
कन्या-रत्न स्वीकारो जी,कुल मिथिलेशका तारो जी!





એક સાથે ચારે મંડપો માં મંગલ ફેરા પણ ફરાવા લાગ્યા..

Click here to see marriage of SitaRam...

कुलगुरु कर रहे मंत्रोच्चारण...लक्ष्मी संग चले नारायण..
अवधके दीपक, मिथिला की बाती, बनने चले हैं जीवनसाथी...



ત્રણે ભુવનના  લોકો ટકટકી લગાવ્યા વિના મંગલ વિવાહ જોઈ રહ્યા છે..

વિવાહ સંપન્ન થયા..ભોજન સમારંભ પણ આટોપી ગયો..
પરંતુ રાજા જનકની ઈચ્છાથી થોડા દિવસ વધુ જાન રોકાઈ...

Wednesday, May 30, 2012

જાન આગમન

જય સિયારામ..

સીતાજીના લગ્નની તો તૈયારીઓ શરુ થવા લાગી પણ સાથે બીજી પ્રણયગાથા  પણ 
જન્મ લઇ લીધો!
ઉર્મિલાજીને લક્ષ્મણજી પ્રત્યે સ્નેહ છે તેવું સીતાજીને ખબર પડતા તેમણે પોતાના 
માતા પિતાને વિષે વાત કરી અને ઉર્મિલા-લક્ષ્મણજીના વિવાહની વાત  તેમણે સ્વીકારી લીધી..
ગુરુ વિશ્વામીત્રજીએ પણ  વાતને વધાવી લીધી અને નવેસરથી એક દૂત  
લક્ષ્મણજીના વિવાહનો પ્રસ્તાવ લઇ અયોધ્યા જવા નીકળ્યો..
પરંતુ વાત લક્ષ્મણજીને  ગમી...તેઓ  વાટિકા જતા હતા..
દુરથી ઉર્મિલાજી અને માલવિકાએ તેમને જોયા...
લક્ષ્મણજી ગુસ્સામાં લાગતા હતા.. 
માલવિકાએ ઉર્મિલાને ચીઢાવવા કહ્યું," રઘુવીરના નાના ભાઈ હમેશા ગુસ્સામાં કેમ હોય છે?"
અહી લક્ષ્મણજીનું ધ્યાન ઉર્મિલા તરફ ગયું..
તેમણે ત્યાં ઉર્મિલાજીને જોયા અને સીધા તેમની પાસે પહોચી ગયા..
કહે,"દેવી, મને વિવાહ સ્વીકાર્ય નથી!"
ઉર્મિલાજીએ  અશ્રુ સાથે કારણ પૂછ્યું...
તો તેઓએ કહ્યું,"હું મારા ભાઈ શ્રીરામને સમર્પિત છું..અને ધર્મમાં સંભવત
મારાથી પક્ષપાત થઇ જાય..હું આપને દુ:ખી જોવા નથી ઈચ્છતો.."
ઉર્મિલાજીનો  લક્ષ્મણજી પ્રત્યેનો આદર વધી ગયો..
ઉર્મિલાજીએ  પણ પોતાની ભાવના પ્રગટ કરી,"હું આપને વચન આપુછું કે હું
ક્યારેય કોઈ બાબતે આપને ફરિયાદ નહિ કરું....મારા હૃદયમાં તમારું સ્થાન એવું રહેશે
જેવું મંદિરમાં મૂર્તિનું હોયછે...તમારા દરેક નિર્ણયમાં હું તમારી સાથે રહીશ!"
આખરે બંનેના મનનું સમાધાન થયું..

બીજા દિવસે સવારે અયોધ્યા ગયેલો દૂત ખબર લઈને આવ્યો કે
રામ-લક્ષ્મણના વિવાહની વાતથી પૂરી અયોધ્યામાં ઉત્સવ જેવું વાતાવરણ છે..
મહારાજ દશરથ સંબંધીઓ સાથે જાન લઈને સાંજ સુધીમાં પહોચી જશે..
મિથીલાની સજાવટ પણ બપોર સુધીમાં થઇ ગઈ..
ચોમાસાની પ્રથમ વૃષ્ટિ પછી જેવું વાતાવરણ હોય તેવી મિથીલા નગરી શોભેછે..

સાંજે દશરથજી પોતાના સગા-સંબંધીઓ સાથે જાન લઈને આવી પહોચ્યા..
મિથીલામાં તેમનું ભવ્ય સ્વાગત થયું..
ભરત અને શત્રુઘ્નને જોતા મિથીલાની નાની નાની બાલિકાઓ   રામ-લક્ષ્મણ 
પાસે પહોચી ગઈ.કહે,"તમે જાણો છો અમે હમણાં તમારા જેવા બે ભાઈઓને ઉત્સવમાં 
જોયા!!"
શ્રીરામ-"અવશ્ય તે ભરત અને શત્રુઘ્નની વાત કરી રહી છે.."
 જાન જેવી મહેલના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઇ કે સીતાજીને અને ઉર્મિલાને શણગારી રહેલી
સખીઓએ ઉત્સવ જોવા પડાપડી કરી મૂકી..તેમની આંખોએ સીધા રામચંદ્રજીના ભાઈઓને
શોધી કાઢ્યા..
માંડવી અને શ્રુતકીર્તિએ પણ બંનેને જોયા..
સખીઓએ તેમને પણ ચીઢવવાનું  શરુ કર્યું,"તમારી બંનેની ઈચ્છા હોય તો
આપણે વૈદેહીને વાત કરીને તમારું પણ નક્કી કરી નાખીએ!"
ત્યાંજ માલવિકા દોડતી આવી..
કહે,"હવે એની કશી જરૂર નથી..હું હમણાજ રાજસભામાંથી આવી..
ત્યાં ચર્ચા ચાલતી હતી કે રઘુનંદન શ્રીરામની ઈચ્છાથી ચારે ભાઈઓના વિવાહ સાથે થશે..
શ્રીરામ કહે છે કે ચારે સાથે જનમ્યાં હતા,શિક્ષા ગ્રહણ પણ સાથે કરી તો પછી 
પાણિગ્રહણ પણ એકસાથે થવા જોઈએ..એટલે રાજા કુશધ્વજ  
કૈકેયીનંદન કુમાર ભરત સાથે માંડવી અને સુમિત્રાનંદન કુમાર શત્રુઘ્ન સંગ
શ્રુતકીર્તીના વિવાહનો પ્રસ્તાવ મુક્યો..
મહારાજ દશરથએ પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકાર્યો છે..
હવે તમને ચારે બહેનોને શણગારવાની જવાબદારી અમારી! "

રાતે ઝરૂખામાં ઉભેલા રામજીને શત્રુઘ્ન પૂછેછે,"ભાઈ, તમને ભાભીને મળવાનું 
મન નથી થતું?"
ભરત-"શત્રુઘ્ન, ભાઈને પૂછેછે કે પછી તું તારા મનની વાત કરેછે?"
સાંભળી બધા હસી પડ્યા.. 
રામજીએ સ્મિત સાથે ઉત્તર વાળ્યો-"મન તો મને પણ થાય છે..
પરંતુ હું બાધ્ય છું..મને હજુ તેની આજ્ઞા નથી મળી..!"

ચારે બહેનો પોતાના ભાવિ શ્વસુરની ચરણવંદના કરી આવી..
ચારે વહુઓ તેમજ ધનુષ-ભંગ પ્રસંગ તૈલ-ચિત્રોમાં કેદ થઇ અયોધ્યામાં
મહારાણીઓ પાસે પહોચી ગયા..
ત્રણે રાણીઓ પણ વહુઓની છબી નિહાળી ખુશ થઇ..




જય સિયારામ...
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth