Sunday, October 19, 2014

શોકગ્રસ્ત અયોધ્યા..

જય સિયારામ..

પોતાના પ્રિય કુંવરને અયોધ્યા છોડવાની આજ્ઞા મળી છે, એવું સાંભળતા કોઈના હૈયે ધીરજ રહી નહિ..
બધા જ લોકો કૈકેયીજી પર કુપિત થવા લાગ્યા કે આ શુભ અવસરે રાણીને શું સુજ્યું છે? જેને રામ એ પ્રાણ સમાન હતા એના મનમાં આવા આચરણનો વિચાર કઈ રીતે આવ્યો?
કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રીના મન ને સમજવું મુશ્કેલ છે..

કોઈ વળી કહે છે: રાજાજી એ આવા દુષ્ટ બુદ્ધિ ધરાવનારને વગર વિચાર્યે વરદાન આપી દીધું ?!
કોઈ સમજદાર બોલનારાઓને સમજાવે છે કે આ બધાને ધર્મની મર્યાદા સમજી આપણે રાજાને દોષ ન અપાય..
કોઈએ એથી આગળ વધી કહ્યું: આ બધું ભરતની સંમતિથી જ બન્યુ છે..
તો એની સામે બેઠેલી વ્યક્તિ કાન આડે હાથ રાખી કહે: અરે! આ ખોટું છે! શ્રીરામ તો ભરતને પ્રાણથી પણ વધુ પ્યારા છે..ભલે ગમે તે થાય પણ રામજીને અનુકુળ ન હોય એવું કામ ભરતજી ક્યારેય ન કરે!

 કોઈ વળી આ બધી વાતો ઉદાસ ભાવે સાંભળે છે..

આવી રીતે હર કોઈ નિજ સમજણથી, સંસ્કારોથી અને દ્રષ્ટિકોણથી પરિસ્થતિનો ક્યાસ કાઢે છે..

કુળની સ્ત્રીઓ, સન્નારીઓ અને કૈકેયીજીની પરમ સખીઓ સાથે મળી કૈકેયીજીને સમજાવવા પ્રયત્નો કરે છે.. અત્યારે તો રાણી કૈકેયીને તેમના વચનો બાણ સમાન ભાસે છે..
સ્ત્રીઓ કહે છે:

" भरतु न मोहि प्रिय राम समाना , सदा कहहु यहु सबु जगु जाना |
  करहु  राम  पर  सहज सनेहु  ,  केहि  अपराध  आजु  बनु  देहु  ||
   कबहुँ   न  कियहु  सवति   आरेसू  ,प्रीति  प्रतीति जान सबु देसु |
      कोस्ल्याँ  अब काह  बिगारा , तुम्ह  जेहि लागी  बज्र पुर  पारा ||  "

"તું હંમેશા એવું કહેતી કે મને રામ ભરતથી પણ અધિક પ્રિય છે..આ વાત આખું જગ જાણે છે..  રામ પર તને સહજ સ્નેહ છે..તો ક્યાં અપરાધને લીધે તેને અત્યારે વનવાસ મળી રહ્યો છે? તે ક્યારેય શોક્ય જેવો ભેદભાવ રાખ્યો નથી, તમારી ત્રણ રાણીઓની એકબીજા પ્રત્યેની લાગણીની સૌને જાણ છે..તો હવે કૌશલ્યાએ તારું શું બગાડ્યુ છે કે તે એના પર અને નગર પર આવો વજ્ર સમાન ઘા કર્યો? "

"તું જ વિચાર કે સીતા પતિનો સંગાથ છોડી અહી રહેશે? ! લક્ષ્મણ રામ વિના અહી રહી શકશે? અરે શું ભરત ખુદ આવું રામ વિનાનું રાજ્ય ભોગવશે? અને દશરથજીનું તો વિચાર કે એ રામ વિના જીવી શકશે ખરા? !
ક્રોધ ત્યજી દે. ભરતને યુવરાજપદ આપ પણ રામને વનવાસ? એ તો સંત છે.. એને રાજ્યની લાલસા નથી.. તું રાજાજી પાસે બીજા વરદાનમાં એવું માંગ કે :રામ મહેલ ત્યજી વનવાસને બદલે ગુરુજીના આશ્રમમાં વાસ કરે.. અમારી વાત માન.નહી તો બધું જ હાથમાંથી જશે.. આ જો મશ્કરી હોય તો ખુલ્લા હૃદયે જણાવી દે.. રામ જેવો પુત્ર વનવાસને યોગ્ય નથી. હવે એવું કર કે આ શોક અને કલંક નષ્ટ થાય. તું મનમાં સમજી જા કે રામ વિના અહી ખાલી ખંડેરો રહેશે! "

સહેલીઓએ સારી શિખામણ આપી , કેટલીયે રીતે સમજાવ્યું પણ મંથરાની રાણી કૈકેયીએ કશું જ કાને ધર્યું નહી,. ક્રોધથી રુક્ષ બનીને તે સમજાવનારાઓને જોઈ રહ્યા,, આખરે બધી સ્ત્રીઓ મનોમન તેને મંદમતિ સમજી ચાલતી થઇ..

આ બાજુ પ્રભુ પોતાના માતા પાસે ગયા. જોયું તો તેઓ પ્રસન્ન હતા. હવે પિતાજીને માતાજી સંભાળી લેશે એવું રામજીને લાગ્યું,, રાજ્ય એટલે તો જાણે હાથીને મન સાંકળ.. રાજ્યરૂપી બંધનમાંથી છૂટવા મળશે એવું થતા જ તેમને અંતરનો આનંદ થયો. 

આખા નગરને જે વાતથી ક્રોધ આવતો હતો એ વાત હજી સુધી કૌશલ્યાજી સુધી પહોચી જ ન હતી!

જય સિયારામ..



Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth