Sunday, March 27, 2016

કૌશલ્યાજી નો પ્રતિભાવ

થોડીવાર તો માતા કશું બોલી ના શક્યા પરંતુ પછી તેમને પોતાનો ધર્મ યાદ આવ્યો.
તેમની માટે તો ચારે પુત્રો એક સમાન જ છે.
ચાર માંથી ગમે તે પુત્ર ગાદીએ બેસે, માતા માટે સૌ એક સરખા.
હવે શાંત ચિત્તે માતા બોલ્યા, " પુત્ર ! તે યોગ્ય જ કર્યું છે. પિતાનું વચન પાલન સૌથી મહત્વનું ગણ્યું છે એ ઠીક જ છે. રાજ્ય મળવાને બદલે ભલે વન  મળ્યું, પરંતુ તારા વિના તારા પિતા, ભરત અને પ્રજાને ખુબ જ દુઃખ અનુભવાશે.
વળી, જો આ માત્ર તારા પિતાની આજ્ઞા હોત તો તારી સૌથી મોટી મા તરીકે તને રોકી શકાત. પણ આ તારા માતા-પિતા બંનેની આજ્ઞા છે. અને તારા માટે કોઈ પણ એક માતાની આજ્ઞા અમારી ત્રણે માતાની આજ્ઞા બરાબર છે.
એક રાજાએ વનવાસ પણ કરવાનો હોય જ છે. પરંતુ તારી હજી એ ઉંમર નથી એટલે મન આ સ્વીકારી શકતું નથી. મારા પત્નીધર્મને લીધે તને એમ પણ ના કહી શકું કે "પુત્ર, મને પણ તારી સંગાથે લઇ જા."
બધા દેવો અને પિતૃઓ આંખની કીકીની જેમ તારી રક્ષા કરશે. સુખેથી ગમન કરો. વનશ્રી તારી માતા થશે - વનદેવતા તારા પિતા. "
આટલું બોલી માતા પુત્રને વળગી પડ્યા. શ્રી રામે તેમને મૃદુ વાણીમાં સમજાવીને શાંત પાડ્યા.

આ જ સમયે સીતાજીને પણ સમાચારની જાણ થઇ. તેઓ તરત જ સાસુ પાસે દોડી આવ્યા અને તેમને નમન કરી નજીક બેસી ગયા.

दीन्ही असीस सासु मृदु बानी, अति सुकुमारी देखि अकुलानी |

સાસુએ તેમની સામે જોયું. અત્યંત સુકુમાર છે સીતાજી. વિધાતાને તેમની આ પુત્રીની દયા નહિ આવી હોય!
સીતાજીના મનમાં પણ વિચારોનું યુદ્ધ ચાલે છે. આવી રીતે જ શું સાથ છૂટી જશે !
 વિરહ કઈ રીતે સહન થશે! પોતે પતિ સાથે નહિ જાય તો અહી આ જ મહેલમાં એમના પ્રાણ નીકળી જશે! પરંતુ, સ્વામીને મનાવવા કઈ રીતે! 
આવું વિચારતા જયારે અજાણપણે તેઓ જમીન ખોતરવા લાગ્યા, ત્યારે તેમના નુપૂર દીન અવાજ કરે છે. જાણે કહી રહ્યા છે, - 'હે મૈથિલી ! અમારો ત્યાગ ના કરશો. ' 
સીતાજીની આંખે પણ અશ્રુધારા વહી રહી.
તેઓ શું વિચારતા હશે એનો અંદાજ શ્રીરામને આવ્યો ના હોય એવું બની શકે ખરા ?!
માતા કૌશલ્યાએ પણ સીતાજીની એ પ્રશ્નસૂચક આંખો વાંચી લીધી. 
આખરે સીતાજીએ પોતાની ઈચ્છા જાહેર કરી દીધી.

ત્યારે કૌશલ્યાજી બોલ્યા, " રૂપવાન, ગુણીયલ પુત્રવધુ મેં મેળવી છે. કલ્પવેલીની  જેમ લાલન પાલન કર્યું છે. સદાયે વહાલ આપ્યું છે. આટલી કોમળ બાળા પર વિધાતા પ્રતિકુળ કઈ રીતે થયા હશે ! સીતાએ અમારો ખોળો , હિચકો, પલંગ કે બાજઠ છોડી કઠણ જમીન પર પણ પગ મુક્યો નથી, દીવાની દિવેટ સંકોરવા જેવું કામ પણ એને સોપાયું નથી. 
પુત્રી, વનમાં નિશાચરો, હિંસક પ્રાણીઓ, દુષ્ટ જીવ-જંતુઓ હોય. ત્યાં તને કષ્ટ સહન કરવા મોકલવી એ યોગ્ય નથી. હા, ત્યાં કન્યાઓ  હોય છે. ભીલ, કીરાતોની કિશોરીઓ હોય છે. પણ તેઓ પ્રકૃતિમાં રહી ચુકેલી હોય છે. પથ્થરના કીડા સમાન તે કઠણ હોય છે. તેમને વન અનુકુળ હોય. નહિ કે તને. માટે આ જીદ છોડી દે પુત્રી ! "

જયારે સીતાજી ન માન્યા ત્યારે કૌશલ્યાજીએ  અનેક પ્રકારે તેમને વનની હકીકતો જણાવી. અગોચર વિશ્વો, માયાવી રાક્ષસોનો ચિતાર આપ્યો. સીતાજી ત્યાં કોઈ પણ રીતે આરામથી રહી શકે તેમ નહિ હોય એ સમજાવ્યું. 

સીતાજી નતમસ્તક સાંભળી રહ્યા. માતાએ કરેલી વનની ભયાનકતાનું વર્ણન સાંભળ્યું પરંતુ તેમના મુખ પર આવેલી દ્રઢ નિર્ણયની રેખા એકવાર પણ ચલિત થઇ નહિ. 

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth