Saturday, August 6, 2011

વિદ્યા ગ્રહણ..

જય સીયારામ..
ગુરુમાતાને લાગ્યુંકે ભરતને રામજી નહિ મનાવી શકે..પણ જેના હાથમાં જગતની દોરી છે તેનું કહ્યું કોણ ટાળી શકે!તેઓ તેમની પાછળ ગયા..કહે,"ભાઈ આમ ગુરુજીને પૂછ્યા વિના જવું હવે ઠીક નથી..તું જે માતા આગળ જવાની વાત કરેછે શું તેને તારું આવું કાર્ય ગમશે ખરા? આપણાં માત-પિતાએ આપણને આપણાં ભલા કાજે તેમનાથી દુર કર્યાછે..તો આપણું પણ પરમ કર્તવ્ય છે કે હવે તેમની પાસે  વિદ્યા ગ્રહણ કર્યા  બાદ જ જવું..અને વિચાર ભાઈ, તેઓ કદાચ અત્યારે તને સાચવી પણ લે પણ એવું બની શકે કે પહેલા જેવું કશું રહે નહિ!" રામજીની આવી વાત સાંભળીને ભરત શાંત પડ્યા અને માતાને મળવાની ઉત્કંઠા આંખમાંથી આંસુ બનીને દડદડી ગઈ.....ચારે સાંજનું વાળું કરીને, કુટીર તરફ ફર્યા...
જે બાળકો મલમલની કોમળ  શય્યામાં માતા પાસે નિરાંતે સુતાહતા તેઓ આજ દર્ભની પથારી પર સુતા..
ચારેને જાણે નિદ્રા-રાણીએ અબોલા લીધા..શત્રુઘ્ન કહે,"ભાઈ માતાને પણ અત્યારે ઊંઘ નહિ આવતી હોયને! તેઓ આપણને યાદ કરતા હશેને!"
ગુરુમાતા નવા શિષ્યોને અગવડતા નથીને તે જોવા આવતા હતા..પણ આ વાત સાંભળીને તેમનાથી હવે રહેવાયું નહિ..તેઓ ગયા અને ચારેને માતાની જેમ હાલરડાં ગાઈને પોઢાડી દીધા..
માતાઓની પણ એ જ હાલત છે..ત્રણે માતા આજે  ઝરૂખામાં બેઠી-બેઠી નભ સામે જોતી હતી અને જાણે ચાંદાના માધ્યમથી પોતાના પુત્રોને નિહાળતી હતી..અંતર નો વલોપાત ખુબ વધારે હતો..આખરે સુમિત્રાજીએ મૌન તોડ્યું,"આ કેવો વખત  છે દીદી? જયારે આપણાં પુત્રોને વ્હાલ કરવાનું વખત છે ત્યારે જ એમને આપણાંથી દુર મોકલી દેવાના?  હવે કોણજાણે કયારે તેમના મુખને નિહાળીશું? "
કૌશલ્યાજી-"સુમિત્રા, તેઓ જીવનમાં આગળ વધી શકે તે માટેજ આ વિયોગ થયો છે..છેવટે તો તેમનું જ ભલું છેને! "
કૈકેયીજી કહે-"હા સુમિત્રા! અને દુઃખી ના થઈશ! હું મહારાજને વાત કરી જોઇશ..મને આશાછે તેઓ મારી વાત કદાપી નહિ ટાળે..આપણે આપણાં પુત્રોને અવશ્ય મળવા જઈશું!"

જય સીયારામ..

No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth